વડોદરા

કામદાર સંગઠનો અને અગ્રણીઓને શ્રમ કચેરી દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા નર્મદા ભુવન નાયબ શ્રમ આયુકતને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં માગણી કરતાં જણાવ્યું હતું કે, કામદારો અને કામદાર યુનિયનોના અગ્રણીઓ પ્રત્યે એકતરફી અને ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનું તાત્કાલિક બંધ કરવા અને કામદારોને અધિકારો માટેની અને તેમના હક્ક માટેની અરજી અને માગણી કરતી વખતે તેઓને હેરાનપરેશાન કરવાનું બંધ કરવા. વડોદરા અને આજુબાજુના જિલ્લાઓમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં થયેલા અકસ્માતો અને આરોગ્ય સાથે થયેલ ચેડાં અંગે થયેલી રજૂઆતોની તાત્કાલિક તપાસ કરવા અને સાથે સાથે આપને મળેલા કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી કંપનીઓ સામે સુઓમોટો તપાસ હાથ ધરવા જરૂરી આદેશ કરવા અને જવાબદારો સામે કડક પગલાં લેવા અને આવા પ્રકારની ઘટનાઓ રોકવા મટો સખ્ત પગલાં ભરવા માગ કરી છે.