વડોદરા, તા.૬

કારેલીબાગ વિસ્તારમાં શ્રીપાદ સોસાયટીમાં આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીના સત્તાવાળાઓના અંધેર વહીવટના કારણે કચેરી અને કચેરી બહાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. કચેરીની આસપાસમાં રહેતા સોસાયટીના રહીશો દ્વારા ગંદકી દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા ગંદકી દૂર કરવામાં ન આવતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. આજે સોસાયટીની મહિલાઓએ જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસની કચેરીની અંદર તેમજ કચેરીની બહાર ગંદકીના ઢગલા પડ્યા છે. હાલમાં સમગ્ર શહેરમાં ડેંગ્યુ તાવ, મેલેરીયા તાવ, ચિકનગુનિયા જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે.

પાણીજન્ય અને ઋતુ જન્ય રોગચાળામાં અનેક લોકો લપેટમાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રોગચાળાને આપતી ગંદકી દૂર કરવામાં આવતી નથી. કચેરીની બહાર ગટર ઉભરાઇ છે. ગટરનું પાણી સોસાયટીના રોડ ઉપર ફરી રહ્યું છે. દુર્ગંધ ફેલાતી હોવાથી લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે.