17, ડિસેમ્બર 2020
ગાંધીનગર-
પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તકના સામાન્ય વહીવટી વિભાગની ગાડી ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ ઉદાવત કેટલાય સમયથી સરકારી ગાડીનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ પાડી હતી અને તેમાંથી 80 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપવામાં આવી છે. જેમાં પોલીસે ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ ઉદાવત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે ડ્રાઇવર સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે, ત્યારે ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ ઉદાવત સામાન્ય વહીવટી વિભાગની ગાડી લઈને તેમના ઘરે પહોંચ્યા હતા ત્યારે પોલીસે ગાડીની તપાસ હાથ ધરી હતી જેમાંથી 80થી વધુ દારૂની વિદેશી બોટલો મળી આવી હતી, આમ ધર્મેન્દ્રસિંહના ઘરેથી જ સરકારી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો. સામાન્ય વહીવટી વિભાગની ગાડી કે જે કોઈ અધિકારીને આપવામાં આવી ન હતી પરંતુ જો કોઈ અધિકારીની ગાડી સર્વિસમાં અથવા તો રીપેરીંગમાં જાય ત્યારે જે તે સામાન્ય વહીવટી વિભાગના અધિકારીઓને રિઝર્વ ગાડી આપવામાં આવે છે, પોલીસે જે ગાડી પકડી છે તે રિઝર્વ ગાડી જ હોવાનું સામે આવ્યું છે.