12, જાન્યુઆરી 2021
ભરૂચ, સુંદર ચહેરા ઉપર ઉપસી આવેલા ખીલની જેમ શહેરોમાં ઉભી થયેલી ઝૂંપડપટ્ટીઓ હટાવી ગરીબો માટે નજીવી કિંમતે મકાનો બનાવી શહેરની સુંદરતામાં વધારો કરવા સરકારે પ્રયાસો કર્યા હતા. જ્યારે ભ્રષ્ટાચારમાં લિન નેતાઓ અને કોન્ટ્રાક્ટરોના ભોગે સરકારની મહત્વાકાંશી યોજનાઓ ઉપર પાણી ફરી વળે છે. ભરૂચમાં જે.બી. મોદી પાર્કની સામે રાજીવ આવાસ યોજના થકી ઝૂંપડપટ્ટી હટાવી રૂ.૨૧ કરોડના ખર્ચે ૫૧૨ મકાન બનાવવામાં આવ્યા હતા. જાેકે દીવાલો બનાવવા ઇટ રેતી નહિ પણ સિમેન્ટ, કોન્ક્રીટના તૈયાર બ્લોકને નટબોલ્ટથી જાેડીને બનાવેલ મકાનોમાં રહેવા માટે કોઈ તૈયાર ન હતું. ભરૂચ નગરપાલિકા સંચાલિત રાજીવ આવાસ યોજનાનાં મકાનો બદતર હાલતમાં જાેવા મળી રહ્યા છે. કેટલાય મકાનોમાં મળમૂત્ર ટપકતા હોવાના કારણે લોકોને આવા ગંદકી વારા મકાનોમાં રહેવુ મુશ્કેલ થઈ ગયું છે. વારંવાર તંત્રને મૌખિક અને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલ્યું ન હતું. જેના પરિણામ સ્વરૂપે રાજીવ આવાસના લાભાર્થીઓ નર્ક સમાન મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. તંત્રએ ૧૧૭ મકાન ફાળવ્યા હોવા છતાં સમસ્યાઓનું કોઈ નિરાકરણ નહિ આવતાં ૪૦ જેટલા મકાન માલિકો ફરીથી ઝૂંપડામાં રહેવા જતા રહ્યા હોવાના એહવાલ મળી રહ્યા છે. રહીશોની અસંખ્ય રજૂઆતો છતાં પણ કોઈ ચોક્કસ નિરાકરણ નહી આવતા તેમની પડખે આખરે હિન્દુસ્થાન નિર્માણ દલ અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ આવ્યું હતું. જેથી સ્થાનિક રહીશો અને હિ.નિ.દલ અને આ.હી.પ.ના કાર્યકરો સંયુક્ત રીતે જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી. જેમાં હિ.ની.દલના ધવલ કનોજીયાએ ભરૂચ સાંસદ, નગરપાલિકાના પક્ષ અને વિપક્ષના ૪૪ કોર્પોરેટર તેમજ ધારાસભ્ય સહિતના નેતાઓને આ આવાસમાં ૨૪ કલાક માટે રહેવા આહવાન કર્યું હતું. અને જાે ચૂંટાયેલા નેતાઓ ચેલેન્જ સ્વીકારી ૨૪ કલાક રહીને બતાવે તો પોતે જાહેર જીવનમાંથી રાજકરણ છોડી દેશે તેવી વાત પણ ઉચ્ચારી હતી. આવનાર સમયે આ બાબતે કોઈ નિશ્ચિત પગલાં લેવામાં નહિ આવે તો રહીશો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે મોટા આંદોલન કરવામાં આવશે તેવા આક્રોશ કરી પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. ભરૂચના રાજીવ આવાસ યોજનામાં બિલ્ડીંગોમાં કેટલાય સમયથી ઉપરના માળના સંડાસ બાથરૂમમાંથી મળમૂત્રનું પાણી ટપકી રહ્યું છે. મળમૂત્રના ટપકતાં દુર્ગંધ અને ગંદકીભર્યું પાણી પોતાના મકાનમાં આવતું હોવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતાં મકાન માલિકો રહેવા મજબૂર બન્યા છે.