અરવલ્લી, કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જાેઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે.જિલ્લાના બિછીવાડા પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે. આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને મોટી રકમ લઈને ગુજરાત જઇ રહ્યા હતા અને દિલ્હીથી કાર લઇને આવી રહ્યા હતા.

સમરીયાના જણાવ્યા મુજબ, આ કેસ હવાલાના વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. બિછીવાડા પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને અટકાવી તલાશી લેતાં સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોનાં બંડલ દેખાયાં હતાં. જ્યારે કાર ચાલકોની રોકડ અંગે પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસે કબજે કરેલી કાર અને આરોપીઓની સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નોટોની ગણતરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી ૪ કરોડ ૪૯ લાખ ૯૯ હજાર ૫૦૦ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.