આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સામાજિક કાર્યકર્તાઓ મેદાને ઊતર્યા છે. સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણની આગેવાનીમાં બોરસદ મામલતદાર કચેરી ખાતે તાલુકાની ૧૩૨ સસ્તા અનાજની દુકાનો પર તવાઈ બોલાવી ગુજરાતમાં એક દાખલો બેસાડવાની પહેલ કરી છે. ૧૩૨ સસ્તા અનાજના દુકાનદારો પાસે ૬ લોકો દ્વારા ૧-૧ અલગ મુદ્દાની આરટીઆઈ માગવામાં આવી છે. એટલે ૧ દુકાનદારને ૬ જુદાં-જુદાં લોકોએ ૧-૧ આરટીઆઈ આપી જુદી-જુદી માહિતી માગી છે, જેથી ૧૩૨ દુકાનમાં ૬ લોકોએ કુલ ૭૯૨ આરટીઆઇ કરી છે. 

આરટીઆઇ કરનારા અરજદારોનો આક્ષેપ છે કે, સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ઉચ્ચ પ્રશાસન સાથે મિલીભગત કરી ગ્રાહકોના હક્કના અનાજનો બારોબાર વહીવટ કરી ભ્રષ્ટાચાર કરવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવી ઘટનાઓની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થતી નથી. ત્યારે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એક સાથે આટલી આરટીઆઈ કરી સમગ્ર બોરસદ તાલુકાના દુકાનદારોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેનાં કારણે આખા રાજ્યના દુકાનદારોમાં આ દાખલો બેસે અને સામાન્ય નાગરિકોના હક્કનું અનાજ સગે-વગે ન થાય અને લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે.

આ સમગ્ર ઘટનામાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા દુકાનદારો પાસે તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯થી ૩૦ નવેમ્બર, ૨૦૧૯ સુધીમાં તમામ રેશનકાર્ડ ધારકોના બનેલાં બિલની કોપી, પરમીટ (માલ ગોડાઉનથી લેવા માટેની ઇસ્યૂ કરેલી પરમીટ) અને મામલતદારે ઇસ્યૂ કરેલી પરમીટની માહિતી, તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં રેશનકાર્ડ ધારકોના બનેલાં બિલની કોપી, તારીખ ૧ ઓગસ્ટ, ૨૦૧૯થી ૩૦ નવેમ્બર, ૨૦૧૯ સુધીમાં રેશનકાર્ડ સાથે અધારકાર્ડ લિંકઅપ થયાનો રિપોર્ટ તેમજ રેશનકાર્ડ સાથે લિંકઅપ થયેલાં અધારકાર્ડની કોપીની સંપૂર્ણ માહિતી, તારીખ ૧ જૂન, ૨૦૧૯થી ૩૧ ડિસે.,૨૦૧૯ સુધીમાં નોન એનએસએફએ (નેશનલ સિક્યુરિટી એક્ટ) રાષ્ટ્રીય અન્ન સલામત કાયદોમાં ટ્રાન્સફર થયેલાં રેશનકાર્ડ ધારકોના અરજી સાથે બિડાણ કરેલ પૂરાવા તેમજ માસિક રિપોર્ટની પ્રામાણિત માહિતી, એમ કુલ ૬ મુદ્દાની માહિતી અલગ-અલગ ૬ અરજદારો દ્વારા ૧૩૨ દુકાનદારો પાસે માગવામાં આવી છે. આ સમગ્ર બાબતને સંદર્ભે સામાજિક કાર્યકર્તા મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું હતંુ કે, આખા રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો અને પૂરવઠા વિભાગની મિલીભગતના કારણે સામાન્ય પ્રજાના હક્કનું અનાજ સગે-વગે થઈ રહ્યું છે. હાલમાં સુરતમાં અનાજના ગોડાઉનમાં જે પ્રકારની ઘટના બની અને આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવ્યો તેવી જ ગોલમાલ આખા ગુજરાત રાજ્યમાં થઈ રહી છે. તેના સંદર્ભે આણંદના બોરસદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોને આરટીઆઈ થકી વિવિધ મુદ્દાની માહિતી માગી છે. જેનાં કારણે તેમાં ભ્રષ્ટાચાર કરતા વેપારીઓને ખુલ્લાં પાડી તેમનું લાયસન્સ રદ્દ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જરૂર પડતાં આ સમગ્ર મુદ્દાને રાજ્ય કક્ષાએ ઊઠવવામાં આવશે.