રાજકોટ મનપા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરાયું
31, ઓક્ટોબર 2023

રાજકોટ,તા.૩૧

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ પોલીસ હેડક્વાટર રેસકોર્ષમાં યોજાયો હતો. મેયર નયના પેઢડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી દોડ લગાવી હતી. રન ફોર યુનિટી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઇ હતી. આ કાર્યક્રમમાં સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તેમજ પોલીસ અને મ્યુ. કમિશ્નર સહિત પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.આ તકે મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક જૂથ કરવા માટે ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ અગત્યની ભુમિકા ભજવી હતી. તેમણે કરેલા આ પ્રયાસોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈપટેલ એક એવું અદભૂત વ્યક્તિત્વ હતાં કે તેઓની જરૂરીયાતો ખુબ જ સીમીત હતી. તેઓ ખુબ જ સાદું જીવન જીવતા હતાં. જાેકે, તેઓના દ્રઢ મનોબળથી તેઓ “લોખંડી પુરૂષ”નું ઉપનામ પામ્યા હતા. ભારતને અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને સમજાવીને અખંડ ભારતનું નિર્માણ ન કર્યું હોત તો ભારતનો નકશો કંઈક જુદો જ હોત.ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું હતું. અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું સાદું જીવન પણ સમગ્ર રાષ્ટ્ર માટે આજે પણ પ્રેરણાદાયી છે. તેમના સાદગીભર્યા જીવનનું એક ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં, તેમના ચશ્માની એક બાજુની ડાંડલી તૂટી ગઈ હતી, ત્યારે ચશ્માને દોરી બાંધીને પણ ચલાવતા હતા. દરેક જ્ઞાતિ-જાતિના લોકો એક બનીને રહે તેમાં જ દેશની એકતા અને અખંડીતતા છે, તેવું સરદાર પટેલ માનતા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution