ગાંધીનગર-

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી સ્કૂલો બાબતે ઓનલાઇન શિક્ષણ બાદ બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની સાથે જ શિક્ષણ વિભાગે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે ફરીથી ખાનગી શાળા ઉપર ગાળિયો નાખ્યો છે અને તમામ ખાનગી શાળાઓને રમત ગમત મેદાન ફરજિયાત રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં જ્યાં સરકારી સ્કૂલો આવેલી છે ત્યાં બાળકોને રમવા માટે પ્લે ગ્રાઉન્ડની સુવિધા છે પરંતુ ખાનગી સ્કૂલોમાં પ્લે ગ્રાઉન્ડ નથી. એકલા અમદાવાદમાં 1200 ખાનગી સ્કૂલો એવી છે કે જ્યાં પ્લે ગ્રાઉન્ડની સુવિધા નથી. સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં એકપણ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ વિનાની ન હોવી જોઇએ. સરકારે એવું પણ નક્કી કર્યું છે કે જે નવી સ્કૂલ બને અને માન્યતા મેળવવા માટે કોઇ સંચાલક આવે ત્યારે તેને પહેલાં કહેવામાં આવશે કે પ્લે ગ્રાઉન્ડની સુવિધા છે કે કેમ, જો ના હોય તો તે સંચાલકને માન્યતા આપવામાં આવશે નહીં.

સરકારના શિક્ષણ વિભાગે પ્લે ગ્રાઉન્ડનો એક નિયમ બનાવ્યો હતો પરંતુ તેમાં બદલાવ કર્યો છે. પહેલાં વિભાગે નક્કી કર્યું હતું કે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટરની જગ્યા હોય તેવી સ્કૂલોને માન્યતા આપવામાં આવશે પરંતુ હવે નવા આદેશ પ્રમામે વિસ્તાર ઘટાડીને 800 ચોરસમીટર કરવામાં આવ્યો છે.

એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં 2000 ચોરસમીટરનો વિસ્તાર નિયત કરવામાં આવ્યો હતો પરંતુ હવે નવા આદેશ પ્રમાણે વિસ્તાર ઘટાડીને 1500 ચોરસમીટર કરવામાં આવ્યો છે. સરકાર એવા સંચાલકો સામે સખ્તાઇ રાખવા માગે છે કે જેમની પાસે મંજૂરી સમયે પ્લે ગ્રાઉન્ડની જમીન હતી તે રદ્દ કરી ઇતર પ્રવૃત્તિ માટે ફાળવી હશે. આ સંચાલકો સામે શિક્ષણ વિભાગ પગલાં લેવા તૈયાર થયું છે.