અમદાવાદ,તા.૧૬  

મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થયા છે. પૂજ્ય સ્વામી કોરોના સંક્રમિત હોવાથી તેઓના કોવિડ ૧૯ની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તમામ સંતોએ પી.પી.ઇ. કીટ પહેર્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પૂજ્ય પુરુષોત્તમદાસજીના નિધન વિશે ટિ્‌વટ કરીને શ્રદ્‌ધાંજલિ આપી છે. સ્વામીજીના નિધનથી દેશવિદેશમાં તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. લાખો કરોડો હરિભક્તોએ ઓનલાઈન તેમની અંતિમવિધિ નિહાળી હતી. પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી છે, તેથી તેઓને ઈન્ટરનેટના માધ્યમથી અંતિમ દર્શન કરવા માટે www.swaminarayangadi.com પર જઈને દર્શન કરવા અનુરોધ કરાયો હતો. કોરોના મહામારીને પગલે ભક્તોને એકત્ર ન થવા અપીલ કરાઈ છે. કોરોના આવ્યા બાદ આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી હતી. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા મુંબઈથી નિષ્ણાત તબીબને પણ બોલાવવામાં આવ્યા હતા. સ્વામીજીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી. પુરુષોત્તમપ્રયદાસજીની નાદુરસ્ત તબિયતને કારણે ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની આખરે નિમણૂંક કરવામાં આવી હતી. નવા ગાદીપતિ તરીકે શાસ્ત્રી સદગુરુ જીતેન્દ્રિયપ્રિયદાસજીની નિમણૂંક કરાઈ હતી.