વડોદરા -

વડોદરા મહાનગર પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને પ્રાથમિક શિક્ષણ અંગે વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અટલાદરા બાપ્સ સ્વામિનારાયણ મંદિરના સંત અને મોટિવેશનલ સ્પીકર જ્ઞાન વત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, હૃદયનું શિક્ષણ એજ શિક્ષણનું હૃદય છે, અભિન્ન અંગ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર સાથે ભેળવીને તૈયાર કરો તો, સુસંસ્કૃત દેશ બની જશે. દરેક વિદ્યાર્થી સક્ષમ છે. એવા ભાવથી ભણાવવાને માટે શિક્ષકોને જણાવ્યું હતું. તેઓએ નવી શિક્ષણ નીતિ દ્વારા વિદ્યાર્થી વધારે વિચારશીલ બનવાનો છે. આપણે દેશને વિકસિત બનાવવો છે. મહાસત્તા આપવી છે. પુરુષાર્થ અને પ્રયત્ન વધારવાના છે. શિક્ષક સમાજનું પરિવર્તન કરી શકે છે. પ્રત્યેક શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષક બનવું છે. એવો અભિગમ કેળવવો પડશે. શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં વિદ્યાર્થીઓને વિશ્વ નાગરિક બનાવવાની હાકલ કરી હતી. તેઓએ ખાનગી શાળાઓમાંથી સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ લાવનારને અભિનંદન આપ્યા હતા. અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલે શિક્ષક આજીવન નવું શીખતો રહે એ જરૂરી હોવા પર ભર મુક્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એન.રાઠોડે નવી શિક્ષણ નીતિના મહત્વ વિષે સમાજ આપી હતી. દિલ્હી શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સંયોજક અને અમદાવાદની ગુજરાત કોલેજના પ્રાધ્યાપક ડો. જયેન્દ્રસિંહ જાદવે વડોદરા શિક્ષણ સમિતિએ રાજ્યમાં સૌ પ્રથમ નવી શિક્ષણ નીતિ અંગે યોજેલા વેબિનાર બાદલ અભિનંદન પાઠવી એની સમજ આપી હતી. તેમજ શિક્ષકને જવાબદારી નહિ, ઉત્તરદાયિત્વ નિભાવવું પડશે એવી ટકોર કરી હતી. સમિતિના વિપક્ષી સભ્ય નરેન્દ્ર જયસ્વાલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં બે હજારથી વધુએ ભાગ લીધો હતો.