રાજકોટ-

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટ માટે ખુશીના સમાચાર છે. જેમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈ-સ્પીડ રેલવે લાઈન સ્થાપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં સીએમ રૂપાણીની હાજરીમાં અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ દ્વારા સત્તાવાર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈ સ્પીડ રેલવે લાઈન નાખવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે નવી હાઈ સ્પીડ રેલવે લાઈન નાખ્યા બાદ આ રૂટને અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટટ્રેન સાથે સાંકળી લેવામાં આવશે. જેને લઈને રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી મુંબઈ જવા માટેનો સમય બચશે અને ઝડપથી અમદાવાદ અને મુંબઈ સુધી પહોંચી શકાશે. રાજકોટ - અમદાવાદ વચ્ચે શરૂ થનાર હાઈ સ્પીડ સેવાનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ઉદ્યોગકારો અને વેપારીઓને થશે. રાજ્યમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવનાર છે. ત્યારે આ મહાનગરમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. જેને લઈને રાજકોટ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલવે લાઈનને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.