સૌરાષ્ટ્રમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે, વરસાદનું જોર ઘટશે
22, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી ૫ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે. છેલ્લા ૨૪ તાલુકામાં રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો તેની વિગતવાર વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના ૧૦ તાલુકાઓમાં ૨૪ કલાકમાં દરમિયાન અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં કુકરમુંડા અને વાંસદામાં ૪-૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આ ઉપરાંત ઉમરપાડામાં સવા ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કપરાડામાં ૩ ઈંચ, વ્યારામાં પોણા ત્રણ ઈંચ, નાંદોદમાં અઢી ઈંચ જ્યારે નીઝર અને માંડવીમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈ, ડોલવણ, કુતિયાણામાં સવા ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાત્રે ૨થી સવારે ચાર વાગ્યા સુધી વડોદરાના કરજણમાં પોણા ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સવા ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. 

જૂનાગઢના વિસાવદરમાં સવા ૨ ઈંચ, બારડોલીમાં ૨ ઈંચ, નવસારીમાં ૨ ઈંચ, ખેરગામ, ધોરાજી, ભરૂચમાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડશે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution