ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશનો અંગેની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા હાથ ધરાઈ હતી. આ કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ ર્નિણયો લઇને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સઘન બનાવવાની સૂચનાઓ અપાઈ હતી. આ મહત્વના ર્નિણયો અનુસાર રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસિંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કંન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના અપાઈ છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેકસીનેશન સેન્ટરનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરાશે.રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપાઈ છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એમ. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. કોર કમિટીની આ લંબાણપૂર્વક ચાલેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા અને વરિષ્ઠ સચિવો પણ જાેડાયા હતા.