25, જુલાઈ 2020
વડોદરા, તા.૨૪
કોરોના માટે શહેરના નિમાયેલા ઓએસડી ડાૅ.વિનોદ રાવે હજુ ગઈકાલે જ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને હોસ્પિટલમાં ચાલી રહેલી લાલીયાવાડી અંગે શાૅકોઝ નોટિસ આપીને ૭ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. જેના બીજા દિવસે ડાૅ. વિનોદ રાવ દ્વારા સયાજી હોસ્પિટલની અચાનક મુલાકાત લેવાઈ હતી અને અંદાજે ૩થી ૪ કલાક ચાલેલી મિટિંગ દરમ્યાન હોસ્પિટલની લાલીયાવાડીને લઈને સુપ્રિટેન્ડન્ટ ડાૅ. રાજીવ દેવેશ્વરનો ઉધડો લીધો હતો.
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં ગોત્રી હોસ્પિટલની સરખામણીએ વધુ સિનિયર અને સુસજ્જ સ્ટાફ તેમજ કર્મચારીઓ ધરાવતી એસ.એસ.જી હોસ્પિટલમાં છેલ્લા થોડા સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને લઈને વિવાદોમાં સપડાઈ હતી. હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ પડતા કેટલાક દર્દીઓના મોત નિપજ્યા હોવાના અને બાયો મેડિકલ વેસ્ટના નિકાલમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી શહેરમાં કોરોના મહામારી માટે નિમાયેલા ઓ.એસ.ડી ડાૅ. વિનોદ રાવ દ્વારા સયાજી હોસ્પિટલમાં ડાૅ. મીનુ પટેલની એડવાઈઝર તરીકે તેમજ વુડાનાં અધિકારી અશોક પટેલની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂંક કરીને સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલી લાલીયાવાડી અંગે તપાસ કરવાની સૂચના આપી હતી. તેઓ દ્વારા રિપોર્ટ જમા કરાવતા સયાજી હોસ્પિટલમાં સારવારમાં ગંભીર બેદરકારી અને હોસ્પિટલના મેનેજમેન્ટમાં ગંભીર લાલીયાવાડી ચાલતી હોવાનું માલૂમ પડ્યું હતું. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તરીકે ડાૅ. રાજીવ દેવેશ્વરે કોઈ સંતોષકારક કામગીરી ન કરી હોવાથી ગઈકાલે ડાૅ. વિનોદ રાવે ડાૅ. રાજીવ દેવેશ્વરને શાૅકોઝ નોટિસ આપીને ૭ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું.
જેના બીજા દિવસે આજે ડાૅ. વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના જવાબદાર તમામ અધિકારીઓની બેઠક યોજી હતી. તેમના જણાવ્યા અનુસાર, સયાજી હોસ્પિટલ દ્વારા જે રિપોર્ટિંગ કરવામાં આવે છે અને હોસ્પિટલની ખરેખર શું પરિસ્થિતિ છે? તે વચ્ચે ખુબ જ અંતર છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં સૌથી વધારે સિનિયર સ્ટાફ છે, તેમ છતાં સારવાર સહીત વહીવટના કામમાં ખુબ જ ગંભીર ક્ષતિઓ બહાર આવતા હોસ્પિટલના સૌથી જવાબદાર વ્યક્તિ એટલે કે સુપ્રિટેન્ડન્ટ ઇરાદાપૂર્વક સૂચનોનો અંદર કરી રહ્યા હોવાનું લાગે છે.
ડો.દેવેશ્વરને ‘કોરોના બેડ’ ની પરિભાષા સમજાવી
સયાજી હોસ્પિટલમાં ફાળવવામાં આવેલા કોરોનાનાં બેડ દીઠ ઓક્સિજન પોઇન્ટ ન હોવાનું તેમજ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતના સાધનો પૂરતા પ્રમાણમાં ન હોવાનું ધ્યાને આવતા ડાૅ. વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટ ડાૅ. રાજેવ દેવેશ્વરને ‘કોરોના બેડ’ ની પરિભાષા જણાવતા કહ્યું હતું કે, માત્ર પલંગ, ગાદલા તેમજ ઓશિકાને કોરોના બેડ ન કહેવાય, દરેક બેડદીઠ ઓક્સિજન પોઇન્ટ, આઇસીયુમાં પૂરતા વેન્ટિલેટર સહિતના સાધનો હોવા જરૂરી છે. હોસ્પિટલ પાસે તેની અછત હોવાનું અને કામ તાજેતરમાં જ ચાલુ કરાયો હોવાનો જવાબ મળતા વિનોદ રાવે છેલ્લા ત્રણ મહિનામાં બે વખત મુલાકાત લીધી હોવા છતાં માંગણી કેમ ન કરી? તેમ જણાવીને ઉધડો લેવાયો હતો.
દર્દીઓ માટે નવા ૩૦ મોબાઈલ લાવ્યા
સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ અંગે સગા સંબંધીઓ જાણકારી મેળવી શકે તે માટે તાત્કાલિક સારવાર વિભાગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ઇન્ફોર્મેશન સેન્ટર શરુ કરવામાં આવનાર છે. આ ઉપરાંત દર્દીના સંબંધીઓ તેમની સાથે વાત કરી શકે તે માટે કુલ ૩૦ નવા મોબાઈલ ફોન મંગાવવામાં આવ્યા છે.
મિટિંગ અન્ય જગ્યાએ લઇ જવાઈ
આજે યોજાયેલી બેઠક સૌપ્રથમ મેડિકલ કોલેજના પ્રથમ માળે આવેલ કોલેજ કાઉન્સિલ રૂમમાં રાખવામાં આવી હતી. જ્યા શરૂઆતનો એક કલાક મિટિંગ ચાલ્યા બાદ ઓએસડી ડાૅ.વિનોદ રાવ આવતા નાનકડા રૂમમાં ૩૦ જેટલા લોકોને જોઈને ગુસ્સે ભરાયા હતા અને તાત્કાલિક મેડિકલ કોલેજનું ઓડિટોરિયમ ખોલાવીને ત્યાં મિટિંગ યોજવા જણાવ્યું હતું.
બાળદર્દીઓ હજુ એક મહિનો અટવાશે
ગત વર્ષે પીડિયાટ્રિક વોર્ડમાં આગ લાગતા વોર્ડને બંધ કરીને તાત્કાલિક સારવાર વિભાગના ત્રીજા માળે ખસેડાયો હતો. વર્ષ વીતી ગયું છતાં હોસ્પિટલના પી.આઈ.યુ દ્વારા વોર્ડના રીનોવેશનનું કામ પૂર્ણ ન કરાયું હોવાથી બળદર્દીઓ કોરોનાના દર્દીઓ વચ્ચે સેન્ડવીચ બન્યાં છે. યોજાયેલી મિટિંગમાં પી.આઈ.યુ ના અધિકારીઓને કામગીરી પૂર્ણ થવાની સમયમર્યાદા પૂછતા હજુ એક મહિનો લાગવાની સંભાવના વ્યક્ત કરી હતી. એક વર્ષમાં પણ વોર્ડની કામગીરી પૂર્ણ ન કરનાર પી.આઈ.યુ ના પાપે હોસ્પિટલના બાળદર્દીઓ હજુ એક મહિનો સેન્ડવીચ બનીને રહેશે.