અમદાવાદ, રાજયમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદો અને ઝઘડા હજી પણ યથાવત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતા બનાવવા મામલે બે જૂથો વચ્ચે આંતરિક વિખવાદ હજી યથાવત છે જેની વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીના મત વિસ્તાર એવા દરિયાપુર વોર્ડમાં હવે નારાજગી સામે આવી છે. દરિયાપુર-કાલુપુર વિસ્તારમાંથી સતત ૫ ટર્મથી ચૂંટાઇ આવતા એવા સિનિયર કોર્પોરેટર હસનખાન પઠાણ (હસનલાલા) તેમજ પૂર્વ કોર્પોરેટર અને પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા નાઝનીન બાસ્તાવાલા અને દરિયાપુર વોર્ડના કોંગ્રેસ મહિલા પ્રમુખ ડિમ્પલ પરમારે કોંગ્રેસના નેતાઓથી નારાજ થઈ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપ્યા છે. દરિયાપુર વોર્ડ શહેર પ્રમુખ નીરવ બક્ષીનો મત વિસ્તાર છે અને તેમાં સિનિયર કોર્પોરેટરોની નારાજગી સામે આવતા હવે ફરી એકવાર કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.

ત્રણેયે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું લેખિત રાજીનામું આપતા તેમણે આક્ષેપ કર્યા છે કે વર્ષોથી પાર્ટી માટે કામ કરીએ છીએ પરંતુ ધારાસભ્યોનું સાંભળવામાં આવે છે. હસનખાન પઠાણે પત્રમાં જણાવ્યું હતું કે હું છેલ્લી ૫ ટર્મ થી આ જ વિસ્તારમાં થી જીતીને આવું છું છેલ્લા ૨૫ વર્ષથી પાર્ટી માટે કામ કર્યું છે. કોંગ્રેસની સરકારમાં હું ટાઉન ફ્લાઇંગ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી સાંભળી છે. કોર્પોરેશની બોર્ડ મિટિંગમાં પણ મે અનેક પ્રજાના પ્રશ્નો ને વાચા આપી છે. હાલમાં પક્ષમાં સંગઠનોના હોદેદારો , સિનિયર કાર્યકરો, અને સિનિયર આગેવાનોને બાજુ પર મૂકીને ધારાસભ્યોને મહત્વ આપવામાં આવ્યું છે, ખાસ કરીને ધારાસભ્યો પાર્ટીમાં દાદાગીરી ચલાવે છેકોર્પોરેશનની ૨૦૨૦ની ચુંટણીમાં પણ દાદાગીરી કરી અને તેમના સગા વાહલાને ટિકિટ આપી અને તેમણે પાર્ટીને નુકશાન કર્યું છે જેને કારણે પાર્ટીને નુકશાન થઈ રહ્યું છે આ તમામ ઘટના જાેતાં હું રાજીનામું આપું છું.