અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ(GUSEC)એ ચીન સરહદ પર 15500 ફૂટની ઉંચાઇએ ભારતીય સેના માટે શેલ્ટર હોમ મુકવામાં આવ્યું છે. GUSECએ સેનાના જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં મુકાયું છે. આની વિશેષતા છે કે તે માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં પણ રક્ષણ આપે છે, રૂફ પર 6 ફૂટ જેટલી હિમવર્ષા થાય તો પણ તેને કોઇ અસર નથી થતી. મહત્વનું છે કે, ભારતીય સેના દ્વારા આના રિસર્ચ માટે યુનિવર્સિટીને 1.20 કરોડની ગ્રાન્ટ અપાઇ હતી.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેન્ટની ખાસિયતોઃ

1) આ ટેન્ટને ફેબ્રિક ઇન્સ્યુલેશન, કાર્બન કમ્પોઝિટ મટીરિયલ અને ઓક્સિડાઇઝ્ડ મેટલથી બનેલો છે. 

2) માઇનસ 30 ડિગ્રી જેટલું તાપમાન અને 6 ફૂટ જેટલો બરફ પડે તો પણ ઠંડી સામે સેનાના જવાનો રક્ષણ મેળવી શકશે.

3) ઇમરજન્સી ડોર, સ્ટોર રૂમ, બાથરૂમ, રેગ્યુલર ડોર અને સેનિટાઝ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.

4) આ સિવાય કોરોના જેવી મહામારી, ભૂકંપ અને અતિવૃષ્ટિના સમયમાં આ ટેન્ટનો ઉપયોગ કરી શકાશે.

5) પર્વતો પર અને 15,500 ફૂટની ઊંચાઇ પર આ ટેન્ટને લગાવી શકાશે.

6) ઝડપથી આ ટેન્ટને લગાવી શકાય છે, 8 લોકો 2 કલાકમાં આ ટેન્ટને લગાવી શકે છે.

7) આ ટેન્ટ લગાવવા માટે 6 નટ બોલ્ટ્સ, હેમર, રબર અને એલ્યુમિનિયમ સીડી સહિતના સાધનોની જરૂરિયાત રહે છે.

આ અંગે ભારતીય સેનાના મેજર જનરલ એ.કે. ચાનને જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીએ જવાનો માટે બનાવેલા આ ખાસ ટેન્ટથી અમે સંતુષ્ટ છીએ. આગામી સમયમાં પણ આ પ્રકારના સંશોધન કરવા માટે યુનિવર્સિટી સાથે સંકલન કરવામાં આવશે.

તો આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાની સાથે અનેક બાબતો પર રિસર્ચ અને ઇનોવેશન ચાલી રહ્યા છે. ભારતીય સેનાએ ગુજરાત યુનિવર્સિટીને આ ટેન્ટને માન્યતા આપી છે. આનાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ખુબ ઉત્સાહિત બની રહ્યા છે.