આણંદ : આજે શિવરાત્રીના મહાપર્વને લઈ આણંદ અને નડિયાદ જિલ્લામાં ભોલેનાથની ભક્તિનો માહોલ જામ્યો હતો. ભગવાન શિવશંભુની ભક્તિ અને આરાધના માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આણંદ અને નડિયાદ શહેર સહિત ચરોતરના ગામડાંઓમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને જય ભોલેનાથના નાદથી ગુંજી ઊઠ્યાં હતાં. ભગવાન શિવને બિલ્વપત્રો, પુષ્પો, કમળના ફૂલ અર્પણ કરીને ભક્તો ધન્ય થયાં હતાં. આજના પવિત્ર દિવસે ભોળાનાથની આરાધના સાથે દૂધ અને પાણીનો અભિષેક કરવા શ્રદ્ધાળુઓએ લાઇનો લગાવી હતી.

આણંદના વઘાસી ખાતે ભૂતનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણીમાં ભારે ધામધૂમ નજરે ચઢી હતી. ૧૦૦ વર્ષથી પણ વધુ પૌરાણિક આ શિવ મંદિરમાં ભાવિક ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, એવી માન્યતા છે. અહીં ભૂતનાથ મહાદેવનું શિવલિંગ સ્વંયભૂ પ્રગટ થયું હોવાથી આસપાસના ગામો તો ઠીક પણ દૂર દૂરથી ભક્તો બાધા અને માનતા લઈ અહીં પહોંચે છે. આજે શિવરાત્રીના પાવન પર્વે સવારે ૬ઃ૩૦ વાગ્યાની પ્રથમ આરતી બાદ દર ૩ કલાકે બદલાતાં પ્રહરે શિવજીની આરતી કરવામાં આવં હતી. બીજી તરફ આણંદના જાગનાથ મહાદેવ, લોટેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, વ્રજનાથ મહાદેવ (જિટોડિયા), કુબેરેશ્વર મહાદેવ, રાલજ મહાદેવ, ખંભાતના રણમુક્તશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, પતંગેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત બોરસદમાં જાગનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ઉમરેઠ - પેટલાદ - તારાપુરના શિવમંદિરોમાં પણ શ્રદ્ધાળુઓ બિલ્વપત્ર અને પૂજા વિધિની સામગ્રી સાથે ઉમટી પડ્યાં હતાં. આજે શ્રદ્ધાળુઓએ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ માટે ભોલેનાથની કૃપા અવિરત રહે તેવી પ્રાર્થના કરી હતી. વિવિધ શિવમંદિરોમાં આજે અનેક ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓએ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પૂજાપાઠ, અર્ચના, દુગ્ધાભિષેક, જળાભિષેક, રૂદ્રી, લઘુરૂદ્રી તથા સ્વર્ણાભિષેક જેવાં ધાર્મિક વિધિ વિધાન પણ કરાવ્યાં હતાં.

બીજી તરફ ખેડા જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભીડ જાેવા મળી હતી. શિવાલયોમાં મહાલઘુરુદ્ર યજ્ઞ, રુદ્રી, શિવમહાસ્ત્રોતમના પાઠ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઇને આ વખતે લોક મેળા ઉપર પ્રતિબંધ હોવાથી કપડવંજના ઉત્કંઠેશ્વર, ખેડાના શંકરાચાર્ય નગર વગેરે શિવાલયોના પટાંગણ ખાલીખમ જાેવાં મળ્યાં હતાં. જાેકે, ભક્તોની ભીડ ઉમટી પડતાં આ ખાલીખમ બનેલાં પટાંગણો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યાં હતાં.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરુવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર, માતર, મહેમદાવાદ, ખેડા, કઠલાલ વગેરે તાલુકા મથકોએ પર્વની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. અહીં આવેલાં શિવાલયોમાં સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. શિવ ભક્તોએ શિવલીંગ પર દૂધ, જળ, બિલ્વપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી છે. આ પ્રંસગે અમૂક મોટાભાગના શિવાલયોમાં મહાલઘુરુદ્ર યજ્ઞ, શિવમહાસ્ત્રોતમના પાઠ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ દરમિયાન ચાલું રહેશ. ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી છે. ઉપરાંત મંદિરની બહાર ભાંગની હાટડીઓ ધમધમી ઊઠી છે. ભક્તોએ આ ભાંગની પ્રસાદી પણ ગ્રહણ કરી છે.

જિલ્‍લાના કપડવંજ પાસેના પૌરાણિક શિવ મંદિર ઉતકંઠેશ્વર, ખેડાના શંકરાચાર્ય નગર, ગળતેશ્વરના શિવ મંદિર તેમજ નડિયાદ ખાતે આવેલ માઈ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દિવસ દરમિયાન અહીં સમગ્ર ગુજરાતમાંથી ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો.

ભક્તો શિવલીંગ પર અભિષેક કરી શકે તે માટે લાંબી પાઇપ મૂકવામાં આવી

મંદિર પ્રસાશન દ્વારા આ વખતે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના અમુક શિવાલયોમાં તો ભક્તોને શિવલીંગ સુધી પહોંચવા દેવામાં આવતાં ન હતાં. ભક્તો શિવલીંગ પર અભિષેક કરી શકે તે માટે લાંબી પાઇપ મૂકવામાં આવી હતી. તેનાં મારફત અભિષેક કરાયો હતોે.

શિવભક્તો એ આજે ઉપવાસ કર્યાં, ફરાળી વસ્તુઓ આરોગી

આજના આ પવિત્ર દિવસે શિવ ભક્તો દ્વારા દિવસ દરમિયાન ઉપવાસ કરી શક્કરીયા-બટાકા સાથે ફરાળી વસ્તુઓ જ આરોગવામાં આવી હતી. મહા પર્વ શિવરાત્રીની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવી હતી. આજે જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યાં હતાં.