વડોદરા,તા. ૧૨

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત છે. લોકો પાણી પ્રશ્ને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આજરોજ સોમા તળાવ ચાર રસ્તા પાસેની વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી ની સમસ્યા થી ત્રસ્ત મહિલાઓ સોસાયટીમાં એકત્ર થઇ હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન બન્યા છે. સોસાયટીમાં અંદાજે ૨૦૦ જેટલા મકાનમાં પાણીની સમસ્યા સર્જાતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણી ન મળવાના કારણે વેરો ભરતા રહીશોને રોજ ટેન્કરના ૭૦૦ અને પ્રત્યેક ઘર દીઠ પીવાના પાણીના જગના ૨૦ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે. રહીશોએ અનેક વખત સ્થાનિક વોર્ડ કચેરી તથા પાલિકાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરી છે. કોર્પોરેટર ફોન રિસીવ કરતા નથી. જેથી રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ આજે તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોે હતો. રહિશોએ જણાવ્યું હતું કે પાણીની મુખ્ય લાઇનમાં ઉપર કોર્પોરેશને વાલ્વની કામગીરી કર્યા બાદ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ૪૦૦ મકાનની સોસાયટીમાં ૨૦૦ મકાનમાં સમયસર પાણી મળે છે અને અન્ય ૨૦૦ મકાનમાં પાણીનો કકળાટ સર્જાયો છે. ભર ઉનાળે પાણી ખરીદવાનો વારો લોકોને આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા ખાસ પાણી માટે શરૂ કરાયેલ ફરિયાદ સેલ શોભાના ગાંઠિયા સમાન બન્યો હોંય તેમ લાગી રહ્યુ છે.