અમદાવાદ-

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ૧ કરોડથી વધુની રકમના ફૂડ બિલ પાસ કરવા માટે ૮ લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં સંડોવાયેલા સોલા સિવિલ હોસ્પિટલના ડો. ઉપેન્દ્ર પટેલના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અરજદારના એડવોકેટ તરફે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં બંને આરોપીઓ પર કુલ ૧૬ લાખ રૂપિયા લાંચ મંગવાનો આક્ષેપ છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ કેસના સહ-આરોપીને ૧૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

જ્યારે અરજદાર-આરોપી પર ૬ લાખ રૂપિયા અને ૨ લાખ રૂપિયા કેન્ટિનના કોન્ટ્રાકટ રિન્યુ કરવા માટે લીધા હોવાનો આક્ષેપ છે. આ કેસમાં સહ-આરોપીની ભૂમિકા હાલના અરજદાર-આરોપી કરતાં વધુ છે અને તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હોવાથી અરજદારને પણ જામીન પર મુક્ત કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા નોંધ્યું હતું કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને અન્ય સહ-આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે ૧૦ હજાર રૂપિયા પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

અગાઉ કોર્ટે આ કેસના સહ-આરોપી ડો. શૈલેષ પટેલના જામીન મંજૂર કર્યા હતા. આ કેસને લગતી માહિતી આપતા એસીબીના (એન્ટી કરપશન બ્યુરો) અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટીમાં હાજર ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ભોજન અને ચા-પાણીની સુવિધાનો કોન્ટ્રાકટ ફરિયાદીના ભાઈને આપવામાં આવ્યો હતો. જાેકે ૩ મહિનાથી ૧ કરોડ રૂપિયા જેટલાની રકમના બિલ પેન્ડિંગ હોવાથી તેને પાસ કરાવવા અરજદાર-આરોપી દ્વારા ૮ લાખ રૂપિયા લાંચ માંગવા આવી હતી. આ લાંચ સ્વીકારતા તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.