આણંદ : રવિવારે રાજ્યની પંચાયતો તથા પાલિકાઓની ચૂંટણીમાં દૂધનગરીની પાલિકાનો મલાઈદાર વહિવટ હસ્તે કરવા ધમપછાડા કરવામાં આવ્યાં હતાં. મતદાનની પૂર્વ રાત્રીથી જ તખતાં ગોઠવવાના શરૂ કરાયાં હતાં. પાલિકાની ચૂંટણી પૂર્વે જ વિપક્ષના ઉમેદવાર દ્વારા તંત્રને વિવિધ આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવતાં મામલો ગરમાયો હતો. બીજી બાજુ ચૂંટણીમાં રોકાયેલાં કર્મચારીઓના પોસ્ટલ મત મામલે છેક છેલ્લી ઘડી સુધી અધિકારી કે કર્મચારીને ક્યાં ફરજ સોંપવામાં આવી છે તેની સૂચનામાં વિલંબના કારણે પોસ્ટલ મતથી વંચિત રાખવાના ખેલ રચાયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં હતાં. માત્ર ૫૦% જેટલું જ પોસ્ટલ મતદાન થતાં કૂછ તો ગરબડ હૈની આશંકા ઊભી થવા પામી છે. સાથે સાથે આવતીકાલે મતદાન સમયે બુથ પર બોગસ મતદાન ન થાય તે માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ ડેરાતંબુ તાણી દીધાં છે.