નવી દિલ્હી

ફિલીસ્તીની રોકેટ હુમલામાં ઇઝરાઇલમાં માર્યા ગયેલા કેરળના કેયરટેકર સૌમ્યા સંતોષના મૃતદેહને શનિવારે સવારે ભારત લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન, ઇઝરાઇલના નાયબ રાજદૂત રોની યેદીદીયા ક્લેઇને આ દરમિયાન સૌમ્યાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

શુક્રવારે સાંજે સૌમ્યા સંતોષના મૃતદેહને ઇઝરાઇલથી ભારત રવાના કરવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે વિમાન બેન ગુરિયન એરપોર્ટથી 30 વર્ષીય સૌમ્યાના મૃતદેહને લઈને ભારત રવાના થયું હતું. વિમાન શનિવારે સવારે નવી દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. ઇઝરાઇલ સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. દિલ્હીથી કેરળ પહોંચ્યા બાદ સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું કે હમાસના રોકેટ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારી કેરળની એક ભારતીય નાગરિક સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને આજે ભારત મોકલવામાં આવી રહ્યુ છે. મુરલીધરને ટ્વીટ કરીને કહ્યું કે ગાજામાં રોકેટ હમલામાં મૃત્યુ પામેલી સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને આજે દિલ્લીના રસ્તે ઈઝરાયલથી કેરળ પાછુ લાવવામાં આવી રહ્યુ છે. તે માત્ર તેના પૈતૃક સ્થાન પર પહોંચશે.

સૌમ્યા 11 મેના રોજ ઇઝરાઇલમાં ફિલીસ્તીની રોકેટ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. કેરળના ઇડુક્કી જિલ્લામાં રહેતા 30 વર્ષીય સૌમ્યા ઇઝરાઇલની એક વૃદ્ધ મહિલાની સંભાળ રાખતા હતા. ઇઝરાઇલના અશ્કેલોન શહેરમાં રહેતી સૌમ્યા મંગળવારે તેના પતિ સંતોષ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી રહી હતી ત્યારે તેના ઘર ઉપર રોકેટ પડી ગયું હતું. સૌમ્યાને નવ વર્ષનો પુત્ર પણ છે.