આણંદ : આણંદ જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતાં અને ૪૫થી ૫૯ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતાં લોકોના કોરોના વેક્સિનનો પ્રારંભ થતાં આજે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કોરોના વેક્સિન મૂકાવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે બીજા તબક્કાની રસી મૂકાવી હતી. સાગમટે રસી મૂકાવીને શહેરની આ અગ્રણી હસ્તીઓએ નગરજનોને ભય વિના તેમનો નંબર આવે ત્યારે રસી લેવા અનુરોધ કર્યો હતો.

આણંદ શહેરની જનરલ હોસ્પિટલ ખાતે આજે બપોરે બાર કલાકે સાંસદ મિતેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કોરોના વેક્સિન મૂકાવી હતી, જ્યારે કલેક્ટર આર.જી. ગોહિલે બીજા તબક્કાની કોરોના વેક્સિન મૂકાવી હતી. રસી મૂકનાર હોસ્પિટલના સ્ટાફે રસી આપ્યાં બાદ સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ અને કલેક્ટર આર.જી. ગોહિલને ૪૫ મિનિટ સુધી ઓબ્ઝવેશર્નમાં રાખ્યાં હતાં. તેઓને આ રસી અંગેની અને રસી મૂક્યાં બાદ થનારી સામાન્ય અસરો અંગે સમજ આપી હતી. રસી મૂકાવ્યાં બાદ સાંસદ મિતેશભાઈ પટેલે કોરોના વેક્સિન અંગે કોઈપણ ભય રાખ્યાં વિના કે ખોટી અફવાઓ પર ધ્યાન આપ્યાં વગર કોરોના વેક્સિન લેવાં અપીલ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પાલિકાના કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા, મહામંત્રી નીરવ અમીન, મયુર સુથાર સહિત ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.