18, ફેબ્રુઆરી 2021
રાજકોટ-
ગુજરાત રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અવનવા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સામે આવી છે. ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી હોવાથી અલગ-અલગ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ઉભા રાખતા હોય છે. ત્યારે કોંગ્રેસ તરફથી હરપાલસિંહ ચુડાસમા ઝાંઝમેર સીટ પરથી બિનહરીફ ચૂંટાયા હતા. તેનું કારણ એવું છે કે તેમની સામે ઉમેદવારી કરી રહલા ભાજપ પક્ષના ડો. ચિરાગ દેસાઈએ ફોર્મ પરત ખેંચવાના દિવસે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લીધું હતું માટે કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ એક એવી ઘટના સામે આવી જેના હિસાબે ધોરાજીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર સીટના ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ દેસાઈએ ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યા છે. ફોર્મ પરત ખેંચનારા ભાજપના ઉમેદવારના પિતા રમેશભાઈ ડાયાભાઇ દેસાઈએ કહ્યું હતું કે, ડો. ચિરાગ દેસાઈ ચૂંટણીની ચિંતામાં રહેતા હતા. તેથી તેમણે દવા પી લીધી હતી.