લો બોલો, અહિંયા ઘરમાં કૂવો ખોદતા 510 કિ.લોનો નીલમ મળ્યો
28, જુલાઈ 2021

કોલંબો-

શ્રીલંકાની ઓથોરિટીઝે દાવો કર્યો છે કે તેમને ત્યાં એક ઘરની પાછળની ખુલ્લી જમીનમાં કૂવાના ખોદકામ સમયે દુનિયાનો સૌથી મોટા નીલમનો બહુમૂલ્યવાન પથ્થર મળ્યો છે. બહુમૂલ્ય પથ્થરોના વેપાર કરનારા એક કારોબારીએ જણાવ્યું કે આ નીલનો પથ્થર એક વ્યક્તિ તેના ઘરની પાછળ કૂવાનું ખોદકામ કરતો હતો તે દરમિયાન અચાનક મળ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ નીલમના પથ્થરની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ ૧૦ કરોડ ડૉલર છે. વિશેષજ્ઞોએ આ નીલમના પથ્થરને સરેંડિપિટી સૈફાયર નામ આપ્યું છે. તે લગભગ ૫૧૦ કિલોગ્રામનો છે અને ૨૫ લાખ કેરેટનો છે.

આ નીલમ પથ્થરના માલિક ડૉ. ગમાગેએ બીબીસીને જણાવ્યું કે, જે વ્યક્તિ તેમને ત્યાં કૂવો ખોદી રહ્યો હતો, તેણે ખોદકામ દરમિયાન તેમને જમીનની નીચે કંઈક બહુમૂલ્યવાન પથ્થર દબાયો હોવાની જાણકારી આપી હતી. બાદમાં એ લોકો આ પથ્થરને બહાર કાઢવામાં સફળ રહ્યા. ડૉ. ગમાગેએ સુરક્ષા કારણોથી પોતાનું પૂરું નામ અને સરનામું જાહેર નથી કર્યું. ડૉ. ગમાગે પણ બહુમૂલ્યવાન પથ્થરોના કારોબારી છે. તેમે પોતાની આ શોધ વિશે ઓથોરિટીઝને જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે આ પથ્થરને સાફ કરીને અને તેની ગંદકી હટાવવામાં એક વર્ષનો સમય લાગશે. ત્યારબાદ જ તેનું વિશ્લેષ્ણ કરીને તેનું રજિસ્ટ્રેશન થઈ શકશે. ડૉ. ગમાગેએ જણાવ્યું કે, પથ્થરની સફાઈ દરમિયાન તેમાંથી નીલમના કેટલાક ટુકડા અલગ થઈને પડ્યા હતા. આ દરમિયાન તેનું વિશ્લેષ્ણ કરવામાં આવ્યું તો જાણી શકાયું કે તે ખૂબ ઉચ્ચ શ્રેણીના બહુમૂલ્યવાન પથ્થર છે. આ પથ્થર રત્નાપુરા શહેરમાં મળી આવતો હોય છે. આ શહેર શ્રીલંકાનું જેમ સિટી કહેવાય છે. અહીં પહેલા પણ ઘણા બહુમૂલ્યવાન પથ્થર મળી ચૂક્યા છે. શ્રીલંકા વિશ્વમાં નીલમ પથ્થર અને અન્ય કિંમતી હીરાઓનો મોટો નિકાસ કરતો દેશ છે. ગયા વર્ષે જ શ્રીલંકાએ હીરાની નિકાસ કરીને લગભગ ૫૦ કરોડ ડૉલર કમાયા છે. જાેકે, કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ ક્લસ્ટરની અંદર મોટાભાગના નીલમ પથ્થર ઉચ્ચ ક્વોલિટીના નથી હોતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution