વડોદરા

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ-૧૯ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા બે કર્મચારીઓને હોસ્પિટલમાં કાયમી નોકરી કરતા એસઆઈ વિભાગના જમાદારે રૂા.ર૦૦૦ની માગણી કરતાં જે આપવાની ના પાડતાં જમાદારે ચોરીનો આરોપ મુકી બંનેને ઢોરમાર મારતાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આજે વહેલી સવારથી જ મોર્ન્િંાગ ડયૂટીમાં ફરજ પર આવેલા ૨૫૦ થી ૩૦૦ જેટલા કર્મચારીઓ વિજળિક હડતાળ પર ઉપરી ગયા હતા અને જમાદાર સુપરવાઈઝર માફી નહીં માગે અને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ફરજ પર હાજર નહીં થવાના નિર્ણય સાથે હોસ્પિટલના સુપ્રિ.ની ઓફિસની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ હડતાળને પગલે કોવિડ-૧૯ વિભાગ સહિત હોસ્પિટલના અન્ય વિભાગોની સાફસફાઈ સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. કર્મચારીઓએ સુપ્રિ.ને રજૂઆત કરતાં સુપ્રિ.એ ન્યાય આપવાની ખાતરી આપતાં કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી.

માહિતગાર સૂત્રો દ્વારા સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સયાજી હોસ્પિટલમાં ડી.કે.નાકરાણીના કોન્ટ્રાક્ટ પર ભરૂચ ખાતે રહેતો વિક્રમ વસાવા અને વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે રહેતો અનિલ પરમાર છેલ્લા એક-દોઢ વર્ષથી નોકરી કરે છે. હાલ આ બંને કર્મચારીઓ કોવિડ-૧૯ વોર્ડમાં નાઈટ ડયૂટીમાં નોકરી કરે છે. ગઈકાલે રાત્રે તેઓ નાઈટ ડયૂટી પર નોકરી પર આવ્યા હતા ત્યારે આ બંને જણાએ કોવિડ-૧૯માં દર્દીને શિફટ કરી તેમની નાઈટ ડયૂટીના રજિસ્ટરમાં હાજરી પૂરવા એસઆઈ સેનેટરી વિભાગમાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલનો કાયમી માથાભારે અને દારૂ પીવાની ટેવ ધરાવતો કર્મચારી ચંદુ મોતીભાઈ સોલંકી હાજર હતો ત્યાં કર્મચારીઓના નામ પ્રમાણે હાજરી પૂરતો હતો.

કોન્ટ્રાક્ટ પરના કર્મચારી અનિલ પરમાર અને વિક્રમ વસાવાની હાજરી પૂરતી વેળાએ સુપરવાઈઝર અને હાજરી માસ્તર ચંદુ સોલંકીએ આ બંને કર્મચારીઓ પાસે રૂા.ર૦૦૦ની માગણી કરી હતી. જાે કે, કોન્ટ્રાક્ટ દ્વારા આજદિન સુધી કર્મચારીઓનો પગાર કરવામાં આવ્યો ન હોવાથી રૂા.ર૦૦૦ આપવાની ના પાડી હતી. માથાભારે અને દારૂ પીવાની ટેવ ધરાવતા સુપરવાઈઝર ચંદુ સોલંકીએ કર્મચારીઓ ઉપર ચોરી કર્યાનો આરોપ મુકી ગેબી માર માર્યો હતો. જેમાં અનિલ પરમારને આંગળી પર ઈજા થઈ હતી. એટલું જ નહીં, અર્ધનગ્ન હાલતમાં વોર્ડમાં ફેરવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે હોસ્પિટલના સુપરવાઈઝરે બેહુદુ વર્તન કરતાં અન્ય કોન્ટ્રાક્ટના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને આજે સવારે અન્ય ૩૦૦ મહિલા સહિતના કર્મચારીઓ વિજળિક હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને પોતાની કામગીરીથી અળગા રહ્યા હતા અને સુપ્રિ.ની ઓફિસની બહાર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. આ બનાવને પગલે રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.