દેવગઢબારિયા, તા.૮ 

દાહોદ તાલુકાના અમદાવાદ-ઈન્દોર હાઇવે પર આવેલ રાબડાલ નજીક ઘાટા પીર નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલ અન્ય પાંચ વ્યક્તિઓને ઇજા થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

દાહોદ થી વહેલી સવારે સવારના ૦૫ઃ૩૦ વાગ્યાના સુમારે એસ.ટી બસનો ડ્રાઇવર જીજે.૧૮.ઝેડ.૫૦૯૩ નંબરની એસ.ટી.બસમાં પેસેન્જરો બેસાડી એસ.ટી.બસ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ ગોધરા તરફ જઈ રહ્યો હતો. એ વખતે રાબડાલ ગામે ઘાટાપીર નજીક પોતાની એસ.ટી.બસની આગળ જતી એમ.પી.૦૯.સીએલ.૮૮૮૨ નંબરની અર્ટીકા ગાડીને ઓવેર ટેક કરી આગળ નીકળી રોડની વચ્ચે લાવી દેતા અર્ટીકા કાર એસ.ટી બસની પાછળ અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અર્ટીકા ગાડીના ચાલક અર્જુનભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અર્ટીકમાં બેઠેલ અન્ય પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.આ સંબંધે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ઝારડા ગામના શાંતિલાલ નાથુજી માળીએ ફરિયાદ નોંધાવી હતી.