ગાંધીનગર, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી બન્યા બાદ બુધવારે પ્રથમ વખત દિલ્હીની મુલાકાત લેવાના છે. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની મુલાકાત લેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં રહેલા ગુજરાતનાં મંત્રીઓ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાન અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બુધવારે દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની મુલાકાત જવાના છે. જ્યાં તેઓ ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિના કારણે કેટલાક જિલ્લાઓમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરશે તેમજ આ નુકશાન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય એટલી મદદ કરવાની માંગણી કરવામાં આવશે.કેબિનેટ મંત્રી બન્યા બાદ રાઘવજી પટેલ પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે. બુધવારે કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ દિલ્હીના પ્રવાસે જનારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાત લેશે.આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગુજરાતનાં કેન્દ્રિય મંત્રીઓ પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાની પણ શુભેચ્છા મુલાકાત કરવાના છે.