25, માર્ચ 2022
વડોદરા, તા.૨૪
જિલ્લા એલસીબીની રહેમનજર અને વાઘોડિયા પોલીસની મિલીભગતથી જરોદ નજીક કોટંબી ગામની સીમ નજીક દેશીદારૂની અસંખ્ય ભઠ્ઠીઓ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ત્રણ ટ્રેકટર ટ્રોલી ભરી દેશીદારૂ, વોશ, ગોળ સહિતની સામગ્રી જપ્ત કરી છે જેને લઈને ગ્રામ્ય પોલીસની દેશીદારૂ બનાવનારા જાેડેની સાંઠગાંઠ ખૂલ્લી પડી છે.
જરોદ આઉટ પોસ્ટ વિસ્તારમાં આવેલા કોટંબી ગામની સીમમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠીઓ મોટી સંખ્યામાં ધમધમતી હોવાની ફરિયાદ સ્થાનિકોએ વાઘોડિયા અને જિલ્લા પોલીસને વારંવાર કરી હતી પરંતુ દેશીદારૂના ઉત્પાદકો આસપાસના ગામો અને વડોદરા શહેરને પણ મોટા પ્રમાણમાં દેશીદારૂ પૂરો પાડતા હોવાથી પોલીસને મોટી રકમનો હપ્તો મળી જતાં કાર્યવાહી થતી ન હતી. એલસીબીની રહેમનજર હેઠળ દેશીદારૂના ઉત્પાદકોની હિંમત વધી જતાં કોટંબી ગામની સીમમાં જાેતજાેતામાં ૧૫ જેટલી મિનિ ફેકટરીઓ શરૂ થઈ હતી અને એકસાથે પાંચ પાંચ ડ્રમમાં દેશીદારૂ ૧૫ સ્થળો ઉપર બનતો હતો. હજારો લિટર દેશીદારૂ વાઘોડિયા, જરોદથી માંડી વડોદરા શહેરમાં હજારો લિટર રોજનો સપ્લાય થતો હતો.
સ્થાનિક પોલીસ અને એલસીબીને ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નહીં થતાં અંતે ગ્રામીણોએ સ્ટેટ મોનિટરિંગ સેલનો સંપર્ક સાધ્યો હતો, જેની તપાસ કરતાં દેશીદારૂની મિનિ ફેટકરી જેવી ૧પ થી વધારે ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું બહાર આવતાં મોનિટરિંગ સેલના પીએસઆઈ ચાવડાએ મોટી સંખ્યામાં પોલસ કર્મચારીઓને સાથે રાખી મોડી સાંજે દરોડો પાડયો હતો. મોનિટરિંગ સેલે કોટંબી પાસેના સિગપુરા ગામેથી ત્રણ ટ્રેકટર ટ્રોલી ભરાય એટલો મોટો દેશીદારૂનો જથ્થો, પીપડાં, વોશ અને ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો. દેશીદારૂ બનાવવાની સામગ્રી એટલી બધી હતી કે વહેલી સવાર સુધી ગણતરી અને કાગળો તૈયાર કરવાની કાર્યવાહી ચાલશે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાની જાણકારીના પગલે જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો અને હવે તવાઈ કોના ઉપર આવશે એવા સવાલો ચર્ચાતા હતા.
અકસ્માત બાદ વાઘોડિયા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી હોવાનો દાવો કર્યો
દારૂ ભરેલી કારના અકસ્માત થયા બાદ વાઘોડિયા પોલીસે કાર ઝડપી હોવાનો દાવો કર્યો. બુધવારે વહેલી સવારે ચાલકને ઝોકું આવી જતાં કછાટિયાપુરા-સણોલી વચ્ચે ઈકો કાર ઝાડ સાથે અથડાયા બાદ લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. ત્યારે વાઘોડિયા પીએસઆઈ દેસાઈએ કલાકો પછી પહોંચ્યા બાદ દારૂ ભરેલ કાર ઝડપી હોવાનો દાવો કરી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ખોટો દાવો કર્યો હોવાનું કહેવાય છે.
ઈન્ચાર્જ એલસીબી પીઆઈની બદલી છતાં ચાર્જ કેમ છોડતા નથી?
પ્રામાણિક કહેવાતા જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈની આંખમાં એલસીબી ધૂળ નાખે છે. એમની જાણ બહાર એલસીબી અનેક ખેલ પાડી રહી છે. મોટી કમાણી હોવાથી જ ઈન્ચાર્જ એલસીબી પીઆઈ રાઠોડની બદલી ભરૂચ થઈ ગઈ હોવા છતાં ચાર્જ છોડીને જવા તૈયાર નથી. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશીદારૂનો ક્વોલિટી કેસ કરી એલસીબીની પોલ ખોલી નાખતાં જિલ્લા પોલીસની બદનામી થઈ રહી હોવાનું માનવામાં આવે છે.