ગાંધીનગર-

રાજ્ય સરકાર દ્વારા આગામી સપ્તાહમાં 40 થી વધુ આઇએએસ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડરો કરવામાં આવે તેવી સંભાવના બળવત્તર બની છે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના દ્વારા આગામી સપ્તાહમાં રાજ્યના જૂનિયરથી લઈને સચિવ કક્ષાના આઇએએસ અધિકારીઓના પ્રમોશન સાથે બદલીના ઓર્ડરો કરવામાં આવી શકે છે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવાના અધિક કલેકટરોમાંથી પ્રમોશન મેળવીને આઇએએસ અધિકારી બનેલા એક ડઝન જેટલા અધિકારીઓને ડીડીઓ અને કલેકટર કક્ષાના પદ ઉપર ઉપર નિમણૂક કરવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજ્યના ચાર જેટલા અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે. કારણ કે, આ અધિકારીઓ પાસે એક કરતાં વધુ પદના ચાર્જ ધરાવે છે. જેના કારણે આ અધિકારીઓને તેમના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપીને એક જગ્યા ઉપર મૂકવામાં આવી શકે છે. આ અધિકારીઓમાં પંકજ કુમાર, કમલ દયાની, સુનયના તોમર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાક સિનિયર આઇએએસ અધિકારીઓ કે જેઓ એક જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત છે તેવા અધિકારીઓ તેમજ કેટલાક અધિકારીઓને સચિવ કક્ષામાં બઢતી મળી શકે છે તેવા એક ડઝનથી વધુ અધિકારીઓ છે. આ અધિકારીઓને બઢતી આપીને બદલી કરવામાં આવે અથવા તો તેમની જગ્યાને અપગ્રેડ કરવામાં આવી શકે છે. આવા અધિકારીઓમાં વડોદરાના કલેકટર શાલિની અગ્રવાલ, સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાની કલેકટર ધવલ પટેલ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત એક ડઝન જેટલા ડીડીઓ કેડરના અધિકારીઓની પણ બદલી માટેનો ઘાણવો તૈયાર થઈ ગયો છે. તેમજ સચિવાલય તેમજ ગાંધીનગરમાં વિવિધ એજન્સીઓમાં કાર્યરત આઇએએસ અધિકારીઓની પણ બદલી માટેની તૈયારી થઈ ચૂકી છે. જે અંગે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા બદલી અને બઢતી માટેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષના નવેમ્બર મહિનામાં એટલે કે, આગામી નવેમ્બર-2022માં ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેથી રાજયમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વેના ત્રણ મહિના અગાઉ આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. જેના કારણે રાજયમાં સરકાર દ્વારા આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજયમાં સુચારું રીતે ચૂંટણી યોજાય તે માટે અગાઉથી અધિકારીઓની બદલી કરી દેવામાં આવતી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આગામી સપ્તાહમાં જે તે અધિકારીઓની બદલી કરી દેવામાં આવે તેવી સંભાવના છે.