રાજકોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલી ૧૦૦ બેડના પોર્ટેબલ હેલ્થ કેર યુનિટને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું. આ હેલ્થ યુનિટની અંદર ૈંઝ્રેં સાથે ૧૦૦ બેડની સુવિધા પણ છે. આપતકાલિન સમયમાં આ હોસ્પિટલને બીજી જગ્યાએ ખસેડી પણ શકાય છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં કાર્યરત કરવામાં આવેલી ઇન્ડો અમેરિકન પોર્ટેબલ હેલ્થ કેર યુનિટ (હોસ્પિટલ)ની જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ અને સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદીએ મુખ્યમંત્રીને માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ ફાયર અને વોટરપ્રૂફ પોર્ટેબલ હોસ્પિટલમાં ચાર ડોમમાં ૧૬ આઇ.સી.યુ. બેડ, ૩૦ ઓક્સિજનની સુવિધાવાળા બેડ અને ૫૪ જનરલ બેડનો સમાવેશ થાય છે.૨૦ કિમીની ઝડપે ફૂંકાતા પવનમાં ટકી શકશે આ ડોમ યુનિટમાં જી.પી.એસ. સિસ્ટમ અને તમામ એરકન્ડિશન વોર્ડઝ, પી.વી.સી.નું સ્ટ્રક્ચર, રિસેપ્શન અને લોન્જ એરિયા આવેલો છે. ઉપરાંત ૧૨૦ કિલોમીટરના પવન સામે ટકી શકે તેવી ફુલપ્રૂફ સિસ્ટમથી હોસ્પિટલને સજ્જ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સાધન સહાય અને વ્યવસ્થાપનની માહિતી મેળવી હતી અને પ્રસાશન દ્વારા ઉભી કરાયેલી હોસ્પિટલરૂપી વ્યવસ્થાની સરાહના કરી હતી. કોરોનાએ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી માથુ ઊંચક્યું છે. ત્યારે રાજકોટ કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી સાડા ત્રણ કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ત્રીજી લહેરની શરૂઆત થઈ છે ત્યારે દર્દીઓને અહીં પણ સારવાર આપી શકાશે.