વડોદરા

વડોદરા શહેરમાં ગરીબોને આપવામાં આવતા આવાસોની ગુણવત્તા અતિ નબળી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠે છે. તેમ છતાં આ બાબત તરફ દુર્લક્ષ સેવાતા મકાનના હપ્તા પુરા થાય એ પહેલા જ મકાનો માત્ર બે થી પાંચ વર્ષમાં જ જર્જરિત બની જતા ધરાશાયી બની જાય છે. જેને લઈને આવા આવાસોમાં રહેતા ગરીબો અને શ્રમિકો મોતને મુઠ્ઠીમાં લઈને આવાસોમાં દિવસો ગુજારતા હોય છે. પરંતુ આવા નબળી ગુણવત્તાના મકાનો બનાવનાર તંત્રના પેટનું પાણી હાલતું નથી. આવાજ વધુ એક કિસ્સામાં શિવાજીપુરાના લાભાર્થીઓના મકાનો માત્ર પાંચ વર્ષમાં જર્જરિત બન્યાછે. જેને લઈને માધવનગર જેવી દુર્ઘટનાના પુનરાવર્તનના ભય સાથે સર્વોદયનગરના રહીશો દ્વારા વુંદા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જેમાં જો તેઓના મકાનોની તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે નહિ તો ગમે તે ઘડીયે એ જમીનદોસ્ત બની જશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રજૂઆત કરવા આવેલ પ્રતિનિધિ મંડળ અને રહીશો દ્વારા વુંદા કચેરી ખાતે ઉગ્ર દેખાવો યોજીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ આ સમસ્યાનો તાકીદે નિવેડો લાવવાની સાથોસાથ જવાબદાર જે તે સમયના અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માગ કરી છે. અખિલ મહારાષ્ટ્ર યુવક સંઘના પ્રમુખ વિજય એસ. જાદવના નેતૃત્વમાં શિવાજીપુરી સર્વોદય નગરના રહીશોએ વુડાના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ ગરીબોને ફાળવવામાં આવેલ મકાનો જર્જરિત હાલતમાં માત્ર પાંચ વર્ષમાં મુકાઈ ગયા હોઈ તમામ લાભાર્થીઓને સ્થળાંતર કરીને નવા મકાનો આપવાને માટે ઉગ્ર રજૂઆત કરી છે. આવા મકાનોને લઈને એમાં ઘરોમાં પાણી ટપકતું હોઈ માધવનગર જેવી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરાયો છે.