સુરત-

શહેરમાં એક મહિલાના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી રૂ. ૨.૩૬ કરોડનું ટ્રાન્ઝક્શન કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં લોન એજન્ટ અને આઈ.ડી.બી.આઈ. બેકની રાંદેર શાખાના કર્મચારીઓએ કારસ્તાન કર્યા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. ડોક્યુમેન્ટ અને જીએસટી નંબર સહિતની ડિટેઈલનો દુરુપયોગ કરી એજન્ટ અને આઈ.ડી.બી.આઈ. બેંકના કર્મચારીઓએ બોગસ અકાઉન્ટ ખોલાવી ખેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. રાંદેર પોલીસે મહિલાની અરજી બાદ તપાસ શરૂ કરી છે. રાંદેર વિસ્તારમાં રહેતા લલિતાબેન રાજુભાઈ ચૌબે અને તેમના પતિનું કયારેય રાંદેર બ્રાંચની આઈ.ડી.બી.આઈ. બેંકની શાખામાં ગયાં જ નથી, તેમ છતાં અમારા નામે આ બ્રાંચમાં એકાઉન્ટ ખૂલી ગયું એ એક ચોંકાવનારી બાબત છે. આ ચોક્કસ કાળાં નાણાં ધોળાં કરવાનો ખેલ ચાલી રાો હોય એવું લાગી રહ્યું છે.

અજય મેઘજી કાનાણી નામના ઈસમ પાસે લોનનું કામ કર્યું હતું. એ સમયે મેં ડોકયુમેન્ટ્‌સથી લઈને જીએસટી નંબરની વિગતો પણ આપી હતી અને થોડા સમય પહેલાં જીએસટી અકાઉન્ટ ઓનલાઈન ચેક કરતાં એ નંબરને આધારે આઈ.ડી.બી.આઈ. બેંકની રાંદેર શાખામાં ક્રિષ્ના ટ્રેડિંગ નામે અકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું હોવાનું મારી સામે આવ્યું છે. રાજુભાઈ ચૌબેએ જણાવ્યું હતું કે, પરિવાર કયારે આઈ.ડી.બી.આઈ. બેંકની રાંદેર શાખામાં ન ગયા હોવા છતાં બોગસ બેંક અકાઉન્ટ અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે.

બેંકના મેનેજર અને કર્મચારીઓની મેળાપીપળામાં ચોક્કસ લોકોનાં કાળાં નાણાં હાઈટ કરવામાં આવતાં હોવાનું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે રાંદેર પોલીસમાં મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ નોંધવામાં આવે એવી માંગ પણ કરી છે. આ મામલે આઈ.ડી.બી.આઈ. બેંકની રાંદેર શાખાના મેનેજરનો સંપર્ક સાધવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ શાખા મેનેજરે ફોન પર કોઈપણ પ્રકારનો રિપ્લાય આપ્યો નહોતો.