સુરત-

શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં અફીણનો ધંધો કરતા વેપારીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન 4 કિલો અફીણ મળી આવ્યું હતું. આ ઉપરાં. 11.80 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કુલ 16.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઉધના ભાઠે હિંગળાજ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય સ્વરૂપસિંહ હિરસિંહ રાજપુત (રહે. રાજસ્થાન) કરિયાણાની દુકાનની આડમાં છેલ્લા 2 વર્ષથી નશીલા પદાર્થ અફીણનું વેચાણ કરતો હોવાની બાતમી એસઓજીને મળી હતી.

ઘટના અંગે માહિતી મળતા એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના આધારે સ્ટાફે શનિવારે મોડી રાત્રે દરોડા પાડીને વેપારીઓ પાસેથી 4 કિલો અપીણ પકડાયું હતું. પોલીસે 4 કિલો અફીણ 4.79 લાખ , અફીણના વેચાણની રકમ 11.80 લાખ , મોબાઇલ સહિત 16.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વેપારીને અફીણનો જથ્થો રાજસ્થાનતી એક વ્યક્તિ બસમાં સુરત આપી જતો હતો. વેપારી એક ગ્રામ અફીણ 2 હજાર રૂપિયામાં વેચતો હતો. મોટેભાગે તેની પાસે અફીણ લેવા માટે મોટે ભાગે રાજસ્થાની ગ્રાહકો જ આવતા હતા. વેપારી ઓળખીતા અને રેગ્યુલર આવતા હોય તેને જ આપતો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે , પોલીસ કમિશ્નર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ડ્રાઇવ કરીને ડ્રગ્સનું વેચાણ કરતા પેડલર્સ પર તવાઇ બોલાવી હતી. જેમાં એક જ દિવસમાં 1 કરોડથી વધારે એમડી ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે કેસમાં આદિલ નુરાનીના કારણે ભારે ચર્ચામાં રહ્યો હતો. આ ડ્રગ કેસમાં 11 જેટલા આરોપીઓને ઝડપી લેવાયા હતા. સુરત પોલીસને આ કામ અંગે ખાસ્સી ચર્ચા પણ થઇ હતી.