સુરત-

સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતમાં ગાંજાનો સૌથી મોટો વેપાર કરનાર એવા સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી છે. સુનીલ પાંડી અને અનિલ પાંડી રાજ્યના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા છે. સુરત શહેરમાં આ બંને ભાઈઓ ઉપર વરાછા પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને સુરત રેલવે સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુનીલ પાંડીની પૂછપરછ બાદ વરાછા પોલીસ સ્ટેશનને સોપવામાં આવશે.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી અને એક વર્ષથી ઓડિશાથી જ ગાંજાનો સૌથી મોટો નેટવર્ક ઊભું કરનાર સુનીલ પાંડીને ઓડિશા રાજ્યમાં આવેલ ગંજામ જિલ્લામાં આવેલ છચીનાગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો ભાઈ અનિલ પાંડી હાલ ફરાર છે. તેની પણ શોધખોળ ચાલી રહી છે. આ બંને ભાઈઓ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નેટવર્ક ઊભું કર્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે એક પછી એક કડીઓ મળી હતી. તેના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણવા મળ્યું કે સુનીલ પાંડી અને અનિલ પાંડી હાલ પોતાના ગામથી જ આખા શહેર અને આખા રાજ્યોને ગાંજાનો સપ્લાય કરી રહ્યાં છે. આટલું મોટું નેટવર્ક ઊભું કર્યા બાદ સાથે કેટલા લોકો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.