ગાંધીનગર-

સુરત-

રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટિફિકેટ ધરાવનારા હેન્ડ સેનેટાઈઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે.પી. પેઈન્‍ટસ એન્ડ કેમીકલ, પ્લોટ નં. 7, 8, ગ્રાઉન્‍ડ ફ્લોર, સ્વાગત ઈન્‍ડસ્ટ્રીયલ એસ્ટેટ, તાલુકા ઓલપાડ, જિલ્લો સુરત ખાતે સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરીને અલગ-અલગ બેચના જુદા જુદા પેકીંગ વાળા ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનેટાઈઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનેટાઈઝર બ્રાન્ડનેમ વાળા હેન્ડ સેનેટાઈઝર તથા હેન્‍ડ વોશનો નકલી જથ્થો પકડી પાડ્યો હતો. જેના સેમ્પલ લઈ બાકીની બનાવટો, કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ તેમજ મશીનરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ડુપ્લીકેટ તેમજ જાતે બનાવેલા ખોટા લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ વાળો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન કરવામાં આવે છે? અને અત્યાર સુધી કોને કોને વેચાણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત ઉપયોગ કરવામાં આવેલું આલ્કોલ ક્યાંથી મેળવ્યું છે? તેની સઘન તપાસ સુરતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. નાગરિકો સાવચેતી સાથે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ હેન્ડ સેનેટાઈઝર અને હેન્ડ વોશનો વપરાશ કરી રહ્યા છે. નાગરિકોને ગુણવત્તાયુક્ત હેન્ડ સેનેટાઈઝર તથા હેન્ડ વોશ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જોકે સુરતમાં અગાઉ પણ નકલી સેનેટાઈઝરનું કૌભાંડ પકડાયું હતું. આજે ફરીથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સેનેટાઈઝરનો જથ્થો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 13 લાખનો નકલી સેનેટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે.