સુરત-

સુરત મહાનગર પાલિકાનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું રીવાઇઝડ બજેટ અને વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સ્થાયી સમિતિની મંજૂરીની અપેક્ષાએ રજૂ કર્યું છે.બજેટનું કદ રૂા.૬૫૩૪ કરોડનું રહ્યું છે. જે ગત વર્ષે ૬૧૦૦ કરોડનું બજેટ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ કોરોના કાળમાં જ નીકળી જતાં વિકાસ કામો થઇ શક્યા નથી. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં વિકાસ કામો પાછળ ૨૭૭૫ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. જેની સામે અત્યાર સુધીમાં માત્ર ૧૫૦૦ કરોડના જ કામો થયા છે. ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટમાં પાલિકાના હદવિસ્તરણથી સમાવાયેલા નવા વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને બ્રિજની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે આરોગ્યને લઈને પણ પાલિકા દ્વારા સ્મીમેરની કેપેસિટીની સાથે સાથે નવા હેલ્થ સેન્ટર વધારવાની વાત કરવામાં આવી છે.કોઈ વેરા વધારવામાં ન આવ્યા હોવાનું કહીને પાલિકા કમિશનરે બજેટને લોકોનું બજેટ ગણાવ્યું હતું.

પાલિકા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવક ૩૩૬૬ કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. પાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં ૧૪૦ કરોડના ખર્ચે ડ્રેનેજ,પાણી, રસ્તા અને બ્રિજ બનાવવામાં આવશે. સાથે જ શાળા, ગાર્ડન, હેલ્થ સેન્ટર અને લાઈટ સહિતના ખર્ચા કરાશે.આ સાથે રિવરફ્રન્ટના પ્રોજેક્ટને પણ આગળ ધપાવવામાં આવશે તેમ ડ્રાફ્ટ બજેટમાં કહેવામાં આવ્યું છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ પાછળ ૯૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ૩૬ મહિનામાં કામ પૂરૂં કરવાનો પણ અંદાજ મૂકવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના કાળમાં થયેલી કામગીરીમાંથી બોધપાઠ લઈને આરોગ્ય પાછળ ૩૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ સ્મીમેર હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. તેમજ ૩૨ અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાશે. શહેરમાં ૫૦ હજારની વસ્તીએ ૧ હેલ્થ સેન્ટર ઉભું કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. સાથે જ વેક્સિનેશનની ઝડપથી કામગીરી થાય તે માટે પણ અલગથી ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર વિસ્તારમાં સમાવિષ્ટ પાંચ ઝોન ખાતે એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. સેન્ટલ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ, સુડા અને એસએમસીનાં વિવિધ વિસ્તારના ગાર્ડન ડેવલોપમેન્ટનાં પ્રોજેક્ટ બનાવવામાં આવશે. શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ટ્રાફિકનું ભારણ ઘટાડવા આઉટર રીંગ રોડનું બાંધકામ, રોડ અને બ્રિજ પહોળા કરવાના પ્રોજેક્સ, મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટને સૂચવવામાં આવ્યા છે.