વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં શાસકો અને અધિકારીઓના આશિર્વાદથી ઇજારદારો રિંગ કરીને મનમાન્યા ભાવોની વસુલાત કરવામાં સફળ રહે છે.પ્રજાના વેરાના પૈસાની ઉઘાડી લૂંટમાં અંદરના જ ભાગીદારોને લઈને ઇજારદારોને મોજ પડી જાય છે.તેમજ ઉઘાડી લૂંટને માટે મોકળું મેદાન પૂરું પાડીને ભાગબટાઈ કરતા શાસકો અને અધિકારીઓના આશિર્વાદથી શહેરના ચારે ઝોનમાં ક્વોરી ડસ્ટ પુરી પાડવાના કામે તમામ ઇજારદારોએ એકસરખા ભાવો આપતા પાલિકાના આંતરિક વર્તુળોમાં આશ્ચર્ય સહ ચર્ચાઓ થઇ રહી છે. આ તમામ ઇજારદારોએ પાલિકાના અંદાજ કરતા ૪૨.૫૯% ઓછા ભાવો આપ્યા છે.જેને આગામી સ્થાયી સમિતિની સભામાં મંજૂરીની મહોર મરાશે.આગામી ૨૮ ઓગસ્ટના રોજ સ્થાયી સમિતિની સભા મળનાર છે. 

જેમાં શહેરના ચારે ચાર ઝોનને માટે વાર્ષિક એક કરોડની મર્યાદામાં પીળી માટી, હાર્ડ મુરમ, રોડા છારૂ તથા સ્ટોન ડસ્ટ (ક્વોરી ડસ્ટ) સપ્લાય કરીને પાથરી આપવાના કામે ઇજારા મંગાવવામાં આવ્યા હતા.જેમાં પૂર્વ ઝોનમાં સચિન કન્સ્ટ્રક્શન,દક્ષિણ ઝોનમાં ૐ એન્ટરપ્રાઇઝ, પશ્ચિમ ઝોનમાં એસ,બી,કન્સ્ટ્રક્શન અને ઉત્તર ઝોનમાં શ્રીજી ડેવલોપર્સ દ્વારા પાલિકાના અંદાજ કરતા ૪૨.૫૯ % ઓછાનાં યુનિટ રેટ મુજબના ભાવ પત્રકને મંજૂરીની મહોર મરાશે.શહેરના ચારે ચાર ઝોનમાં આ કામના સપ્લાયરો દ્વારા રિંગ કરીને પાલિકાને બાનમાં લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેમાં પાછળ દરવાજે ઇજારદારોએ શાસકો અને અધિકારીઓ સાથે પણ રિંગ કરીને આ મુજબની ગોઠવણ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પાલિકાની સ્થાયી સમિતિ આ વિવાદાસ્પદ ચર્ચાઓ અને આક્ષેપો પછીથી કેવા ર્નિણય પાર આવે છે એના પર ટીકાકારોની નજર છે.