વડોદરા-

ટ્રાફીક નિયમ તોડ્યો તો તમને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદતી તમારા ઘરે મેમો આવી જાય છે. પરંતુ જાે તમારું વાહન ચોરી થઈ ગયું અને અને શહેરના રસ્તા પર દોડતું હોય તો તે વાહન પોલીસને સીસીટીવીમાં દેખાતું નથી પરંતુ તે વાહનચોરનો મેમો જરૂરથી ઘરે આવી જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વડોદારના એક વ્યક્તિનુ મોપેડ વર્ષ ૨૦૧૬માં ચોરાઈ ગયું હતું. આ વાહનના માસ્ક ન પહેર્યા અને હેલેમેટ ન પહેર્યાના મેમો તેમને આજે પણ મળી રહ્યા છે પરંતુ તેમનું ચોરાયેલું મોપેડ પોલીસને મળતું નથી. મળી રહેલી માહિતી મુજબ વડોદરામાં રહેતા ચિરાગભાઈ કડિયાએ જણાવ્યું કે ૨૦૧૬માં મારું મોપેડ ફતેહગંજ બ્રિજ પાસેથી ચોરાઈ હતી. આ બાબતે મેં પોલીસ ફરિયાદ કરી અને મને વીમાની રકમ પણ મળી ગઈ, પરંતુ વર્ષ ૨૦૧૯માં મારા ઘરે એક મેમો આવ્યો તેને જાેઈને હું ચોંકી ગયો કેમ તેમાં મારું જ મોપેડ હતું. જેથી આ બાબતે મેં પોલીસને જાણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૧૯ બાદ હાલમાં ફરી મને ૧૦૦૦-૧૦૦૦ રૂપિયાના બે મેમો મારા ઘરે આવ્યા છે. પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ છે તેમાં તે ચોર વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેમ છતાં તે પોલીસ પકડથી દૂર છે. પોલીસને સામાન્ય માણસની ફરિયાદમાં રસ નથી જ્યારે વાહન ચાલકની નાનકડી ભૂલ હોય તો પણ ઘરે મેમો પહોંચી જાય છે. ચિરાગ ભાઈએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પોલીસ પાસે વાહન ચોરનો ફોટો અને સીસીટીવ ફૂટેજ છે તેમ છતાં તેઓ વાહનચોરને પકડી શકતા નથી. ચોરી થયેલું વાહન વડોદરાના રસ્તાઓ પર પાંચ વર્ષથી ફરી રહ્યું છે જે પોલીસની સીસીટીવીની સિસ્ટમ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યો છે.