અમદાવાદ, સ્વામિનારાયણ અક્ષરધામ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલ અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ! પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે ૩૨ વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો. બી.એ.પી.એસના પૂ. આદર્શજીવનસ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું,“નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજ ની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.

મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરાઈ છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શૉ પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે.પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જાેવા મળતો હતો. અગ્રણીઓએ સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.”બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપસ્વામીએ જણાવ્યું,

“ગાંધીનગર અને દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજનું કલા કુશળતા અને સૂઝના ઉત્તમ ઉદાહરણ છે, કારણકે અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં તેમનાં અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન રહેલાં છે, જેમાં અક્ષરધામમાં વપરાયેલો પત્થર હોય કે કળશ, ઘુમ્મટ હોય કે પરિક્રમા, મૂર્તિઓ અને સિંહાસન વગેરે તમામ બાબતોમાં પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપેલું છે. અક્ષરધામનાં દર્શન કરીને સૌ સ્વીકારે છે કે ભગવાનના આશીર્વાદ અને શક્તિ સિવાય આ કાર્ય શક્ય જ નથી.”બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને ગાંધીનગર - દિલ્લી અક્ષરધામ નિર્માણની તથા હાલ નિર્માણાધીન ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણસ્વામીએ જણાવ્યું, યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ‘યમુના કિનારે મંદિર બનાવવું છે ‘ અને પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને એ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને ૯૪ વર્ષની જૈફ વયે પણ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાત મુહુર્ત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે. અમેરિકામાં આવનારી પેઢીઓને હિન્દુ ધર્મ શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે તેનો પરિચય રોબિન્સવિલ અક્ષરધામના દર્શન કરીને થશે કારણકે આ અક્ષરધામ હિન્દુ ધર્મનું ગૌરવ અને પ્રતિક બનવાનું છે.”રૉબિન્સવિલ, ન્યૂજર્સીના મેયર માનનીય ડેવિડ ફ્રેડ દ્વારા ન્યૂજર્સીમાં નિર્માણાધીન અક્ષરધામના સર્જન માટે અને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.