વડોદરા : વધુ એકવાર કાર્યશૈલી અને પ્રવૃત્તી પાછળના હેતુપુર્તિ માટે અપનાવાતા ગેરવ્યાજબી મનાતા હથકંડા ને કારણે વિવાદોમાં આવેલી ‘‘ ઓએસીસ’’ સંસ્થાની પોતાની એક આગવી સરકાર છે. તેના વડાપ્રધાન સંસ્થામાં સત્તાવાર રીતે કોઈ જ હોદ્દો નહી ધરાવતા હોવાનું મનાતા સંજીવ શાહ છે. એટલુ જ નહી, ઓએસીસના પોતાના આગવા કાયદાઓ છે- સજાઓની જાેગવાઈઓ છે એટલું જ નહી ઓએસીસની પોતાની આગવી ‘કોર્ટ’ પણ છે જેને તેમણે કોમ્યુનીટી મિશન સ્ટેટમેન્ટ (સીએમએસ) એવું નામ આપ્યું છે.

આ ખાનગી કોર્ટ રોજ રાત્રે નિયત સમયે મળે છે જેમાં તમામે તમામ અંતેવાસીઓએ ફરજિયાત ઉપસ્થિત રહેવું પડે છે અને દિવસ દરમિયાન કોઈએ ઓએસીસની માલિકીના જંગલમાં ખેતમજુરી દરમિયાન કોઈ ઝાડ પરથી કોઈ ફળ તોડી ખાધુ હોય ત્યાંથી માંડીને કોઈ બે અંતેવાસીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હોય કે પછી સંચાલક – મેન્ટર પૈકી કોઈની સાથે ભલે સચ્ચાઈપુર્વક હોય તો પણ કોઈ બાબતમાં દલીલો કરી હોય જેવા કોઈ પણ પ્રકારનો ગુનાનો રીતસરનો તેની કે તેણી સામે સૈાની હાજરીમાં આરોપ ઘડાય છે. એટલું જ નહી આરોપીના કોઈ પણ સચોટ બચાવ છતાં ઓએસીસના સંચાલકો-મેન્ટરો એ ‘ગુનેગાર’ માટે અગાઉથી ઠરાવી રાખેલી સજા ઘોષિત કરે છે. ‘સીએમએસ’ નામે ચાલતી આ કોર્ટમાં ચાલતા ખટલાના ગુનાના પ્રકારો તથા સજાની સુનવાઈ સુધીનાની ઓએસીસની પોતાની આગવી પધ્ધતી છે.

કથિત આત્મહત્યા કરનાર કથિત દુષ્કર્મની પિડિતા પણ જ્યારે તેના પ્રારંભના અંતેવાસી તરીકેના તેના બે વર્ષના કાર્યકાળ દરમિયાન અનેકવાર આવા કહેવાતા ગુનાઓ માટે એક સપ્તાહ સુધી ખાવામાં બિલકુલ મીઠું નહી આપવુ જેવી અમાનવીય સજઓ ભોગવી ચુકી છે તેવો મુળ સુરતના અને હાલમાં મધ્યપ્રદેશમાં રહેતા ઓએસીસના પુર્વ અંતેવાસી વૈભવ ગેલાની બાદ હવે ઓએસીસની વધુ બે પુર્વ અંતેવાસી યુવતીઓ જેમાં એક સુરત અને એક વડોદરાની છે તેઓએ નામ જાહેર નહી કરવાની શરતે ‘લોકસત્તા-જનસત્તા’ સમક્ષ ઉક્ત વિગતોનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે.

ઓએસીસ સંસ્થાની વિરોધમાં અવાજ ઉઠાવનાર ઓએસીસના એક ભૂતપુર્વ અંતેવાસી અને ઉક્ત પિડિતાની સાથે જ સંસ્થામાં કામ કરી ચુકેલા અને તેના સતત સંપર્કમાં રહેલા મુળ સુરતના અને હાલ મધ્યપ્રદેશ ખાતે કન્ટ્રકશનનું કામ કરતા વૈભવ ગેલાણીએ ગઈ કાલે આપેલી સ્ફોટક માહિતી ઉપરાંત આજે સુરતની જ અન્ય એક પ્રતિભાશાળી યુવતી અને એક વડોદરાની યુવતીએ પણ ઓએસીસમાં તેમના કાર્યકાળ દરમ્યાન તેઓને થયેલા અમાનવિય, પિડાદાયક અને આઘાતજનક અનુભવોનો પટારો ખોલી નાખ્યો છે. પોતાનું નામ નહી આપવાની શરતે આ બંને યુવતીઓએ ઓએસીસ સંસ્થાની આપેલી આંતરિક તમામ માહિતઓ સંસ્થામાં એકહથ્થુ શાસનના દાખલા ટાંક્યા છે, એટલુ જ નહી, શિક્ષણમાં ઉત્તેજન, વ્યકિતત્વ વિકાસ તથા ચારિત્ર્ય ઘડતરના નામે અંતેવાસી યુવક-યુવતીઓ અને બાળકો પાસે ‘બંધક’ કહેવાય એ પ્રકારની રીતસરની શારીરિક મજુરી જ કરાવાય છે. ખેતમજુરો કરતા પણ ભુંડી અવસ્થામાં કામ કરતા ઓએસીસના અંતેવાસીઓ પર ચાંપતી નજર, કડક નિયમો અને અમાનવિય વલણના કોરડા પણ વિંઝાય છે. જાેકે ઓએસીસમાં અંતેવાસીઓનું એટલી હદે બ્રેઈનવોશ કરવામાં આવે છે કે આવી સજાઓ થવા છતાં તેઓ સંસ્થામાંથી બહાર નીકળી શકતા નથી. આ બનાવમાં જે પિડીતા છે તેણે પણ બે વર્ષનો કોર્સ પુરો કર્યો હતો તેમ છતા તે વડોદરામાં ઉક્ત સંસ્થામાં જ રહેતી હતી.

સારી સ્કૂલના બદલે ગ્રામ્ય વિસ્તારની શાળા-કોલેજમાં એડમિશન

ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ માટે એમએચઈ કેમ્પમાં વિનર થઈ સિલેક્ટ થયેલી પુર્વ અંતેવાસી યુવતીઓએ જણાવ્યું હતું કે ઓએસીસ સંસ્થા દ્વારા તેઓને શહેરની સારી કોલેજ કે શાળામાં એડમિશન અપાવીશું તેવી ખાત્રી આપવામાં આવે છે પરંતું ત્યારબાદ સંસ્થા દ્વારા અંતેવાસી બાળકો અને યુવકોને સરકારી શાળા તેમજ ગ્રામ્ય વિસ્તારની શાળા-કોલેજમાં તે પણ સંસ્થાના મેન્ટરો-સંચાલકોની મરજી મુજબના પ્રવાહમાં એડમિશન અપાવે છે. અંતેવાસી યુવતીઓ પૈકી એક પ્રતિભાશાળી અને અભ્યાસમાં ભારે તેજસ્વી યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેને મ.સ.યુનિ.માં એડમિશન લેવુ હતું પરંતું સંસ્થામાં તેની ઈચ્છા વિરુધ્ધ સંખેડાની કોલેજમાં આટ્‌ર્સ પ્રવાહમાં એડમિશન અપાવ્યું હતું. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એડમિશન બાદ સંચાલકો એવું પણ કહેતા હતા કે અમારી ગ્રામ્ય વિસ્તારની શાળા-કોલેજના સંચાલકો સાથે વાતચિત થયેલી છે માટે તમારે શાળા-કોલેજમાં રોજ જવાની જરૂર નથી માત્ર પરીક્ષા આપવા જજાે. પૂર્વ અંતેવાસીઓ પૈકીની તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી ધરાવતી યુવતિએ જણાવ્યું હતું કે સંસ્થાની આવી ગેરરીતિને હું પોતે પણ ભોગ બની છું કારણ કે મારે સારી કોલેજમાં એડમીશન લઈને ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા હતી. પરંતુ સંસ્થાના સંચાલકોએ મારી કોઈ મરજી ચાલવા દીધી નહોતી અને મારું સંખેડાની કોલેજમાં તે પણ એક્ષર્ટનલ વિદ્યાર્થી તરીકે એડમીશન અપાવ્યું હતું.

શાળાના પુસ્તકો નહી, અમારા પુસ્તકો વાંચો

ઓએસીસમાં ફેલોશીપ કરતા મોટાભાગના કિશોન અને યુવાન વયના અંતેવાસીઓ અભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. જાેકે સંસ્થામાં આવ્યા બાદ તેઓને શાળા-કોલેજમાં ઈચ્છા હોય તો જવાનું નહી તો કંઈ નહી અને વેલી અને સંસ્થાની ઓફિસમાં આપેલા ટાસ્ક મુજબ કામગીરી કરવા માટે જણાવવામાં આવતું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓ જાે શાળાના પુસ્તકોના વાચનમાં વધારે સમય વ્યતિત કરે તો તેઓને મેન્ટરો દ્વારા એવી શીખ અપાય છે કે આ પુસ્તકિય જ્ઞાન તમારા વિકાસમાં કામ નહી લાગે એના કરતો તો આપણા ઓએસીસ પબ્લિકેશનના પુસ્તકો વાંચો. પુર્વ અંતેવાસીઓ પૈકીના વૈભવે તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે અંતેવાસીઓ માટે રોજ રાત્રે રીડીંગ સેશન ફરજિયાત છે જેમાં ફ્‌ેન્ડશીપ અને સાયકોલોજીના પુસ્તકો સાથે કેટલીક વાર અશ્લીલ પુસ્તકો પણ વાંચવા માટે આપવામાં આવતા હતા.

પીડિતાને ત્રણ યુવકો સાથે એક રૂમમાં એક માસ સુધી પુરાવી રહેવાની સજા અપાયેલી

ઓએસીસની પુર્વ અંતેવાસી યુવક તેમજ બંને યુવતીઓએ એક સનસનાટીભર્યો કિસ્સો ટાંકતા જણાવ્યું હતું કે કથિત આત્મહત્યા કરનાર કથિત દુષ્કર્મની પિડીતા પણ પ્રારંભના અંતેવાસી તરીકેના તેના બે વર્ષના કાર્યકાળ દરમિયાન અનેકવાર આવા ‘કહેવાતા’ ગુનાઓ માટે અનેક અમાનવિય સજાઓ ભોગવી ચુકી છે. ઓએસીસના ઉક્ત ત્રણેય ભૂતપુર્વ અંતેવાસીઓએ જણાવ્યું હતું કે એક ગુનાની સજા તરીકે દુષ્કર્મ પિડિતાને તેની જ વયના ત્રણ કુમળી વયના પરંતુ યુવાની તરફ ઝડપભેર ધસી રહેલા ત્રણ કિશોરો સાથે એક મહિના સુધી એક જ રૂમમાં કેદ રાખવામાં આવ્યા હતા. રૂમની બહાર ખંભાતી તાળું રહેતું હતું અને નાસ્તો કે જમવાની થાળી અંદર ધકેલવા પુરુ જ ક્ષણભર બારણુ ખુલતું હતું.એક મહિના સુધી એક યુવતી અને ત્રણ યુવકો સંપુર્ણ કેદમાં એકાંતમાં રહે તો તેમની વચ્ચે ઉંમર અને માનવ સહજ શું શું ન થઈ શકે ? એ નહી સમજી શકનારાઓ સંસ્થાની ખાનગી કોર્ટના ન્યાયાધિશોએ પોતે જ મનોરોગની સારવાર કરાવવી જાેઈએ કે નહી ? એવો પ્રશ્ન ભૂતપુર્વ અંતેવાસીઓમાં ઉઠ્યો છે.

ઓએસીસના અંતેવાસી છોકરા-છોકરીઓને એકબીજાને ‘હગ’ કરવા ફરજ પડાય છે!

સંસ્થાર્ન પુર્વ અંતેવાસી યુવક અને બંને યુવતીઓએ સંસ્થા દ્વારા સારા સંસ્કારના બદલે મનમાં વિકૃતી જાગે તેવું કૃત્ય કરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સંસ્થામાં પ્રવેશ મેળવનારાને ફ્રેન્ડશીપ ક્લબમાં પુરુષ-નારીઓ વચ્ચે કોઈ ભેદ નથી અને બધા એક જ કોમ્પ્યુનિટીના છે તેમ કહી દરેક પ્રસંગે યુવક-યુવતીઓ તેમજ કિશોર અને કિશોરીઓને એકબીજાને મળતી વખતે ફરજિયાત પણે ‘હગ’ (ગળે મળવાની) કરવાની ફરજ પાડવામાં આવતી હતી. યુવાનીમાં પગરણ માંડતી કિશોરીઓ તેમજ યુવતીઓને આ રીતે વિજાતીય પાત્રો સાથે હગ કરવા માટે ફરજ પાડતા ઓએસીસના સંચાલકોની આ તે કેવી માનસિકતા છે ? તેવો પણ અંતેવાસીઓએ પ્રશ્ન કર્યો હતો.

અઠવાડિયામાં માત્ર એક જ વાર પરિવાર સાથે વાતચીતની છુટ

ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતા કરતા અંતેવાસીઓ પાસેથી સંસ્થામાં પ્રવેશ મેળવ્યા બાદ તુરંત મોબાઈલ ફોન અને કિંમતી સામાન લઈ લેવામાં આવે છે. કિશોરવસ્થાથી માંડ યુવાનીમાં પગરણ માંડી રહેલા અંતેવાસીઓને વહેલી સવારથી રાત સુધી સતત વિવિધ ટાસ્ક આપીને સંસ્થાના સંચાલકો ખેતમજુરી તેમજ તેઓના પબ્લિકેશનને લગતી કામગીરી કરાવવામાં આવે છે. પગારદાર સ્ટાફના બદલે અંતેવાસીઓ પાસેથી સખત મજુરી કામ કરાવ્યા બાદ તેઓને અઠવાડિયામાં માત્ર એક જ વખત તે પણ ગણતરીની મિનીટો માટે પરિવાર સાથે વાતચિત કરવાની છુટ અપાય છે. અંતેવાસીઓને તેઓના પરિવારજનોથી સતત દુર રાખી તેઓની પરિવાર પ્રત્યેની લાગણી ઓછી કરી નાખે છે અને ત્યારબાદ તેઓનું બ્રેઈ નવોશ કરવામાં આવે છે જેથી અમાનવિય સજા ભોગવ્યા બાદ પણ અંતેવાસીઓ ઘરે જવા માટે તૈયાર થતા નથી.

ન્યુટ્રીશનના નામે મીઠા વગરનો ખોરાક

પુર્વ અંતેવાસી યુવક અને બંને યુવતીઓએ જણાવ્યું હતું કે ઓએસીસ સંસ્થામાં વડોદરા અને ચાણોદ ખાતે વેલીમાં રહેતા અંતેવાસીઓને પુરતો ખોરાક આપવા માટે અલગ અલગ ત્રાજવા છે. અત્રે રહેતા અંતેવાસીઓને રોજ ન્યુટ્રીશ્યન વાળો ખોરાક આપવાની બાંહેધરી આપવામાં આવે છે પરંતું ત્યારબાદ તેઓને જાતે ખોરાક રાંધવા માટે કાચીસામગ્રી આપવામાં આવે છે. જાેકે અત્રે રહેતા અંતેવાસીઓને રોજનું માત્ર ૧૭ ગ્રામ મીઠુ આપવામાં આવે છે જે કોઈ કાળે પુરતું નહોંતુ અને તેઓને રોજ ફીક્કુ અને સ્વાદ વગરનો ખોરાક ખાવો પડતો હતો. તેઓએ જણાવ્યું હતું કે અત્રે રહેતા અંતેવાસીઓને પેટ ભરીને ખોરાક મળતો નથી જયારે વેલીમાં રહેતા અંતેવાસીઓને ભરપેટ જમવાનું મળે છે તેવી મેન્ટરોને ફરિયાદ કરી હતી જેમાં મેન્ટરોએ અત્રે રહેતા અંતેવાસીઓના રોજીંદા ખોરાકમાં વધારો કરવાના બહાને વેલીમાં રહેતા અંતેવાસીઓના રોજીંદા ખોરાકમાં કાપ મુકી દીધો હતો.

બે વર્ષના કોર્સ બાદ રૂિ૫યા ૫૦થી ૮૦ હજારના ચેકની લાલચ

ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ માટે સંસ્થા દ્વારા કેમ્પ અને હરિફાઈનું આયોજન થાય છે. આ પૈકી એમએચઈ કેમ્પમાં વિનર થનારને વિનામુલ્યે પ્રવેશ અપાય છે પરંતું બાકીના વિદ્યાર્થીઓને ૫૦ હજાર સુધીની ફી હોય છે. ફેલોશીપના બહાને વેલી ખાતે થતી રીતસરથી ખેતમજુરી સહિતના વિવિધ ટાસ્ક પેટે વળતરની લાલચ અપાય છે અને બે વર્ષનો કોર્સ પુરો થયા બાદ ૫૦થી ૮૦ હજારનો ચેક આપવાની પણ ખાત્રી અપાય છે. જાેકે પુર્વ અંતેવાસી યુવકે જણાવ્યું હતું કે ફેલોશીપ દરમિયાન વિદ્યાર્થિના એક માસના રહેવા-જમવાના ૬ હજાર તેઓના વળતરની રકમમાંથી કાપી નાખવામાં આવે છે જેના કારણે બે વર્ષ બાદ જ્યારે ફેલોશીપ પુરી થયા ત્યારે તેઓના હાથમાં કશુ આવતું નથી. જાેકે દરેક ટાસ્કનું કેટલું વળતર અને તેના હિસાબનું રહસ્ય હજુ જાણી શકાયું નથી.