માંડવી, માંડવી તાલુકાનાં દુધમોગરા ગામ ખાતેથી પસાર થતા એક એસિડ ભરેલ ટેન્કર (નં. જી.જે.૧૮.એ.એક્સ.૫૭૧૨) નાં ચાલક ઓમપ્રકાશ ગંગારામ બામણિયા (રહે. વડોદરા) દ્વારા રાત્રીનાં ૧૨ઃ૩૦ નાં સુમારે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી પલ્ટી મરાવતા આખા માર્ગ પર એસિડ પથરાય ગયું હતું. તેમજ માર્ગની બાજુમાં આવેલ દુકાનો અને લારીઓને પણ અડફેટે લઈ તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય એ છે કે થોડા દિવસોનાં અંતરે ટ્રક ચાલકો દ્વારા માર્ગની બાજુમાં ઉભેલ, ફૂટપાથ પર સુતેલ કે પસાર થતા વાહન ચાલકોને અડફેટે લેતા નિર્દોષો ભોગ બની પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સદ્દનસીબે આ ઘટના મોડી રાત્રીએ થતા કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ અકસ્માત દુધમોગરા મંદિર સામે જ થયો છે જ્યાં રોજ દર્શનાર્થીઓની ભીડ જામેલી રહે છે. તો આ ઘટના દિવસે થતે તો કેટલા નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવો પડતે તે વિચાર માત્રથી પ્રજાજનોનાં રૂંવાટા ઉભા થઇ ગયા છે. તો આવી ઘટનાઓને અટકાવવા સરકાર દ્વારા કોઈ કડક કાયદો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.