ન્યૂ દિલ્હી

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં શનિવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવ્યું હતું. સોપોરમાં આતંકીઓએ ટીમમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને બે નાગરિકો પણ મરી ગયા છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે આ હુમલા પાછળ લશ્કર-તૈયબા આતંકીઓનો હાથ છે. આ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તે પહેલાં માર્ચમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. હુમલો શ્રીનગરની હદમાં લવેપોરામાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં 3 જવાન પણ ઘાયલ થયા છે. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.