વડોદરા : વડોદરા શહેર અને જિલ્લાના ૮ તાલુકાઓમાં ૧૮૧ અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન ત્રણ વાનો દ્વારા અહર્નિશ સેવાઓ આપી રહી છે. ૨૦૨૦ના અઘરાં કૉવિડ વર્ષમાં વડોદરા અભયમે મહિલા સુરક્ષાની સતર્ક અને સશક્ત કામગીરી બજાવતાં ૧૮૧ ને આધારે મળેલા ૫,૯૭૪ જેટલા કોલ હેઠળ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને જરૂરી મદદની સાથે હૂંફ અને સધિયારો પૂરો પાડ્યો હતો.મોટેભાગે ઘરેલુ હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, સોશિયલ મીડીયાના માધ્યમથી હેરાનગતિ, છેડતી અને બળાત્કારના કિસ્સાઓમાં પીડિત મહિલાઓને મદદની કામગીરી કૉવિડના જાેખમથી ડર્યા વગર અવિરત કરવામાં આવી હતી. ૨૦૨૦ના વર્ષમાં લાંબા લોક ડાઉનની એક આડ અસરરૂપે ઘરેલુ હિંસા સામે બચાવ માટે મળતા કૉલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો એવી જાણકારી આપતાં વડોદરા અભયમના કો-ઓર્ડિનેટર ચંદ્રકાંત મકવાણાએ જણાવ્યું કે, અમને મળતા કુલ કોલમાં સામાન્ય સંજાેગોમાં ઘરેલુ હિંસા વિષયક કોલનું પ્રમાણ ૨૪ થી ૨૬ ટકા હોય છે, પરંતુ કૉવિડ કટોકટીમાં એ વધીને ૪૨ થી ૪૪ ટકા જેટલું થઈ જતાં અમારી કામગીરી વધી. પરંતુ આવા કોલની સામે જરૂરી મદદ પહોંચાડી, સમજાવટનો અભિગમ રાખી, કુટુંબ ભાવનાનું મહત્વ સમજાવી અમે મુસીબતમાં મુકાયેલી બહેનોને મદદરૂપ બની શક્યા છે.

ચંદ્રકાંતભાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે,અમારી ટીમોના સદસ્યો ઈશ્વર કૃપાથી આ રોગથી મુક્ત રહ્યાં. અમે સમયાંતરે તમામ લોકોના ટેસ્ટ કરવા, સેફ્ટી કીટ અને સેનેતાઈઝર, માસ્ક વિગેરેનો સતત ઉપયોગ કરવો જેવા કૉવિડ પ્રોટોકોલનું સતત પાલન કર્યું જેનું ઘણું સારું પરિણામ મળ્યું છે. ૨૦૨૦ની કામગીરીની વિગતવાર જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, વર્ષ દરમિયાન ઘરેલું હિંસાના પ્રસંગો એ રક્ષણ મેળવવા મુશ્કેલીગ્રસ્ત બહેનોના કે તેમને મદદરૂપ થવાનો આશય રાખતા લોકોના ૪,૧૦૯ કોલ મળ્યા જેમાં સમયસર યોગ્ય મદદ કરી, બહેનોને ઉગારવાની કામગીરી અમારી ટીમો એ કરી. ૨૦૧૪થી વાત કરીએ તો ઘરેલુ હિંસા વિષયક કુલ ૨૧,૯૦૭ કોલ્સ સામે અભયમ,વડોદરા એ મદદ પૂરી પાડી છે. ગત વર્ષમાં પાડોશીઓ સાથે વિવાદ, ઝઘડામાં મદદ માંગતા કુલ ૯૪૩ કોલ મળ્યા હતા જેમાં અમારી ટીમો એ સમજાવટ અને મધ્યસ્થીના અભિગમથી જરૂરી મદદ કરી હતી. બાળ લગ્ન એ એક સામાજિક દૂષણ અને કાયદા હેઠળ અપરાધ છે. વડોદરા અભયમને ક્યાંક બાળ લગ્ન યોજાયાં હોય તો તે અટકાવવા માટે પણ કોલ મળે છે. ૨૦૨૦ના વર્ષમાં આવા ૪ કોલ હેઠળ બાળ લગ્ન અટકાવવા, સંબંધિત પરિવારોને દૂષણની સમજ આપવાની સાથે, કાયદા હેઠળ આ અપરાધની સજા થી માહિતગાર કરી, બાળ લગ્નો અટકાવવામાં મદદ કરવામાં આવી છે. ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં આવા ૩૯ કોલમાં અભયમે બાળ લગ્નો અટકાવવા જરૂરી સકારાત્મક દખલ કરી છે. તેવી જ રીતે, શરાબખોરી, નશાખોરી અને અન્ય અસરો હેઠળ હિંસા અને હેરાનગતિની ફરિયાદોના મળેલા ૭૩૦ કોલમાં જરૂરી મદદ અને સુરક્ષા પૂરી પાડી હતી.