પોલેન્ડના રાજદૂતે મોરબીના મયુર પેલેસ સહિતના ઐતિહાસીક સ્થળોની મુલાકાત લીધી
25, ફેબ્રુઆરી 2022

મોરબી, પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની એક દિવસની ટૂંકી મુલાકાત લીધી હતી. ગત મંગળવારે મયુર પેલેસની મુલાકાતના પ્રારંભે પેલેસના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જ્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ દ્વારા ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબીના મયુર પેલેસમાં રહેલ ઐતિહાસીક ચિત્રો, બાંધકામની શૈલી, રાચરચીલુ વગેરે જાેઇને પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી અભિભૂત થયા હતા. આ મુલાકાત વેળાએ તેઓશ્રીએ જણાવ્યું હતું કે, દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના ચિત્રકારોને અહીંના રાજા દ્વારા શરણ આપીને રક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોલેન્ડના કલાકારો દ્વારા અહીં અનેક પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. જેને જાેઇને હું અભિભૂત થયો છું. મયુર પેલેસની મુલાકાત બાદ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી એ દરબાર ગઢ અને મણિમંદિરની પણ મુલાકાત લઇ મોરબીની ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહરની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેમણે બપોરે ભોજનમાં ગુજરાતી વ્યંજનનો રસાસ્વાદ માણ્યો હતો. તેઓશ્રીની મુલાકાત વેળાએ પોલેન્ડ એમ્બેસીના સેક્રેટરી ઇવા સ્ટેન્કીવિઝ, મયુર પેલેસના મેનેજર મનહરસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર વતી ડેપ્યુટી કલેક્ટરશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ જાેડાયા હતા. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution