અમદાવાદ,   રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા શહેરના રોડ રિસરફેસ તથા નવા બનાવવાનું કામ ચાલુ છે તેમાં અસંખ્ય ગોબાચારી થવા છતાં અને કામની કોઈ કોલીટી ન જળવાતા આજે ઓઢવના માર્ગ ઉપર ડામર ગુમડા ની જેમ ઊપસી જતા માર્ગ જાેખમી બન્યો છે છતાં કોઈ મોનીટરીંગ થતું નથી માત્ર મલાઈમાં રાચતા અધિકારીઓ ની ગંભીર ભૂલને લીધે પ્રજાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં રોડના કામમાં કેટલી વેઠ ઉતારવામાં આવે છે તેનું ઉદાહરણ ઓઢવ ઓવરબ્રિજથી કઠવાડા જીઆઇડીસી જતા રોડ પર જાેવા મળે છે. રોડ પર ડામરના ઠેરઠેર ટેકરા વાહનચાલકો માટે જીવલેણ સાબિત થવાની ભીતિ છે. છોટાલાલ ચાર રસ્તા પાસે પણ આવા ડામરના ટેકરા મોટી મુસીબત સર્જે તેવી શક્યતા છે. ટુ વ્હિલર ચાલકો માટે જાેખમી બન્યા છે. રોડ બનાવવાના કામમાં રાખવામાં આવતી બેદરકારી કોઇનો જીવ લઇ લે તેવી જાેખમી બની શકે છે. કામદારોની થોડી બેદરકારી, કામચોરી અન્ય વાહનચાલક માટે જીવનભરનો પસ્તાવો બની જશે તેવું પણ બની શકે.