રાજકોટ, રાજકોટના મોરબી રોડ પર આવેલા હડાળા ગામ પાસે નવનિર્મિત નર્સિંગ સ્ટુડન્ટ હોસ્ટેલના કલરકામની મજૂરીના પૈસા આપવા સંચાલકોએ ઇન્કાર કરી દીધો હતો. આથી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દંપતીએ ફિનાઈલ પી લીધું હતું. જેને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દંપતીએ આક્ષેપ કર્યો છે કે, સંચાલકે મજૂરીના બાકી ૫૦ હજાર રૂપિયા ન આપતા આ પગલું ભર્યું છે.બનાવની વિગત મુજબ પિતૃકૃપા રેસિડેન્સીમાં રહેતા અમીત થોરીયા અને તેના પત્ની અંજુબેન હડાળાના પાટીયા પાસે નવી બની રહેલા નર્સિંગ હોસ્ટેલ પાસે ફિનાઇલ પી લેતા બેભાન થઇ ઢળી પડ્યા હતા. સારવારમાં રહેલા દંપતીએ કુવાડવા પોલીસને જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાણાવાવના રહેવાસી છે અને તેમના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તેમજ થોડા સમય પહેલા શહેરની ભાગોળે આવેલા હડાળાના પાટીયા નજીક નવી બની રહેલી નર્સિંગ સ્ટુડન્ટ હોસ્ટેલના બિલ્ડિંગમાં કલર કરવાનું મજૂરી કામ રાખ્યું હતું. આ કામ હોસ્ટેલના સંચાલક અમિત જાેષી અને પાઠકભાઈ મારફતે રાખ્યું હતું.કામ પૂરૂ થયા બાદ મજૂરી કામ પેટે રૂ. ૮૦ હજાર આપવાના હતા. તેમાંથી સંચાલકોએ રૂ.૩૦ હજાર આપ્યા હતા. બાકી નીકળતા રૂ.૫૦ હજાર બાબતે અનેકવાર માગણી કરવા છતા સંચાલકો રૂપિયા આપવા બાબતે ગલ્લા-તલ્લા કરતાં હોય કંટાળી આ પગલું ભર્યું હતું. દંપતીના નિવેદન પરથી કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.