ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સરેન્ડર માટે અદાલતે છેલ્લી તક આપી છે. નવાજ શરીફ એક ભ્રષ્ટાચાર કેસમાં દોષી સાબિત થયા છે, પરંતુ ગયા વર્ષે નવેમ્બર મહિનાથી જ તેઓ લંડનમાં છે. આ બધા વચ્ચે પાકિસ્તાનની એક કોર્ટે નવાઝ શરીફને કહ્યુ કે તેમની પાસે સરેન્ડર કરવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય છે. લાહોર હાઇકોર્ટે નવાજ શરીફને વિદેશ જવા માટે ચાર મહિનાની પરવાનગી આપી હતી, જેથી તેઓ પોતાની સારવાર કરાવી શકે. તેવામાં નવાજ શરીફ વિદેશ ગયા બાદ હજુ સુધી પાકિસ્તાન પરત ફર્યા નથી.

ઉલ્લેખનીય છે કે, 70 વર્ષના નવાજ શરીફને કોર્ટે સ્ટીલ મીલના ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની સજા ફટકારી છે. મંગળવારે ઇસ્લામાદ હાઇકોર્ટની એક બેન્ચે નવાજ શરીફ, મરયમ શરીફ અને સફદરને આપેલી સજા વિરુદ્ધની અરજી અંગે સુનવણી હાથ ધરી હતી. જે દરમિયાન અદાલતે કહ્યું કે અમે આ અંગે કોઇ છેલ્લો ર્નિણય નથી આપતા, પરંતુ નવાજ શરીફને કોર્ટ સામે સરેન્ડર થવા માટે 10 સપ્ટેમ્બર સુઘીનો સમય આપીએ છે.

તો અદાલતમાં નવાજ શરીફના વકિલે કહ્યું કે નવાજ શરીફનની તબિયત એવી નથી કે તેઓ પાકિસ્તાન આવી શકે. જેના કારણે અદાલતે કેસની સુનવણી મોકુફ રાખી. હવે આ કેસની સુનવણી 10 સપ્ટેમ્બર અને મરયમ તેમજ સફદરના કેસની સુનવણી 23 સપ્ટેમ્બરના રોજ થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે પહેલાંથી જ નવાજ શરીફને ભાગેડુ જાહેર કર્યા છે. ઉપરાંત બ્રિટનની સરકારને નવાજ શરીફના પ્રત્યાર્પણ માટેની ભલામણ પણ કરી છે.