વડોદરા, તા.૬

રાજ્ય સરકારના તબીબો તેઓની વિવિધ પડતર માગણીઓના અમલ મામલે હડતાળ ઉપર ઉતર્યા છે અને આ હડતાળના આંદોલનને મક્કમપૂર્વક આગળ વધારી રહ્યા છે જેના પરિણામરૂપે હડતાળનો આજે ત્રીજાે દિવસ હોય ડોક્ટર ફોરમના તમામ તબીબો આજે પણ સામૂહિક રીતે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજના લેકચર હોલમાં ભજન-કીર્તન અને ઢોલક-મંજીરા-ખંજરી વગાડી ધાર્મિક ભજનો દ્વારા અનોખી ઢબે વિરોધ નોંધાવ્યો હતો.

આજના ભજન-કીર્તન સાથેના વિરોધ દર્શાવવાના ઉદ્દેશ અંગે તબીબ અગ્રણીએ જણાવ્યું હતું કે, ઈરાદાપૂર્વક અને સ્વાર્થપૂર્ણ હઠાગ્રહ છોડી અમારી મંજૂર થયેલ માગણીઓને મંજૂરી માટે ભગવાન સદ્‌બુદ્ધિ આપે તેમ જણાવ્યું હતું. જાે કે, હજુ સુધી સરકાર તરફથી કોઈ પ્રકારનો હકારાત્મક પ્રત્યુત્તર કે વાટાઘાટ માટે બોલાવવામાં ન આવતાં તેના તબીબઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તેઓ પોતાનું હડતાળનું આંદોલન મક્કમતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. જાે કે, આ પરિસ્થિતિમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સયાજી હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ-મધ્યમ વર્ગીય દર્દીઓમાં સર્જાઈ છે. તદ્‌ઉપરાંત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. એટલું જ નહીં, દર્દીઓની મેજર અને માઈનોર સર્જરીઓ પણ અટવાઈ જવા પામી છે. અલબત્ત, દર્દીઓની આરોગ્ય સેવાઓ રામભરોસે ચાલી રહી છે.જાે આ હડતાળ વધુ ચાલશે તો દર્દીઓની હાલાકી અને આરોગ્ય સેવાઓ ઉપર વધુ માઠી અસર પડવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તબીબોના હડતાળના અહિંસક આંદોલનને ૭૩ કલાક જેટલો સમય થયો હોવા છતાં સરકાર તરફથી કોઈપણ પ્રકારનો જવાબ ન મળતાં તબીબીઆલમમાં વધુ રોષની લાગણી વ્યાપી છે અને તેઓ આ વખતે જ્યાં સુધી ચોક્કસ નિર્ણય નહીં આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બીજી તરફ સરકારી હોસ્પિટલ સયાજી અને ગોત્રી હોસ્પિટલના અધિક્ષકોએ જૂજ તબીબોની વૈકલ્પિક વ્યવસ્થા કરીને દર્દીઓની અગવડતા દૂર કરી હોવાનો સંતોષ માણ્યો છે. આજે ગોત્રી અને ઈએસઆઈના તબીબોએ બ્લેક ડ્રેસ પહેરીને બ્લેક-ડે મનાવી વિરોધ નોંધાવ્યો હતો.

સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં વિલંબ થતાં રોષની લાગણી વ્યાપી

સમગ્ર રાજ્ય સહિત શહેરની સયાજી હોસ્પિટલના તબીબો પણ તબીબી હડતાળના સમર્થનમાં જાેડાયેલા હોવાથી મહત્ત્વના ગણાતા હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ અને એફએસએલ પોસ્ટ મોર્ટમ વિભાગમાં તબીબોની હડતાળને લીધે દર્દીઓ અને મૃતકના સગાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પોસ્ટ મોર્ટમ ખાતે મૃતકોના પોસ્ટ મોર્ટમની કાર્યવાહીમાં વિલંબ થતાં સગાઓને ધોમધખતા આકરા તાપમાં તપવાનો વારો આવ્યો છે જેના કારણે મૃતકના સગાઓમાં મૃત્યુનું દુઃખ ભૂલીને રોષની લાગણી વ્યાપી રહી છે. અલબત્ત, કલાકો સુધી ભરતડકામાં ઊભા રહેવાની નોબત આવી છે.