લંડન  

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે 2020-21 સીઝન માટે કેન્દ્રીય કરાર સાથેના ખેલાડીઓની સૂચિ બહાર પાડી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ચોંકાવનારો નિર્ણય લેતા તેના વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટોને 2020-21 સીઝન માટે ટેસ્ટ ક્રિકેટનો કેન્દ્રિય કરાર આપ્યો નથી. જોકે બેરસ્ટોને મર્યાદિત ઓવરોનો કરાર આપવામાં આવ્યો છે.

બેટ્સમેન જેક ક્રોલી, ઓલી પોપ અને ડોમ સિબ્લીને પ્રથમ વખત ટેસ્ટ કરાર મળ્યો. ઓલરાઉન્ડર ટોમ ક્યુરનને મર્યાદિત ઓવરનો કરાર આપવામાં આવ્યો છે, જ્યારે કેન્ટના બેટ્સમેન જો ડેન્લીને કરારમાં સામેલ કરવામાં આવ્યો નથી. ડેનલીનો અગાઉ મર્યાદિત ઓવરનો કરાર હતો. 

જોની બેરસ્ટો લાંબા સમયથી ટેસ્ટ ટીમની બહાર છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્ટાર ખેલાડીના નબળા ફોર્મને જોતા જોસ બટલરના હાથમાં વિકેટકીપિંગનું કામ સોંપ્યું હતું. બેરસ્ટોને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું, પણ તેને કોઈ મેચ રમવાની તક મળી નહતી. બટલરે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામે સારૂ પ્રદર્શન કરીને બેરસ્ટોને ટેસ્ટ ટીમમાં પાછા ફરવાનું પણ મુશ્કેલ બનાવ્યું છે. 

કુલ 23 ખેલાડીઓએ કરાર મેળવ્યા છે જે આગામી 12 મહિના માટે 1 ઓક્ટોબરથી લાગુ થશે. આ તમામ કરાર કરનારા ખેલાડીઓને તેમના કરારના આધારે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ (ઇસીબી) થી પગાર મળશે. જો કે, ઇસીબીએ કહ્યું છે કે ખેલાડીઓને કેટલી ચુકવણી કરવામાં આવશે તે જોવું પડશે, કારણ કે કોરોનાવાયરસને કારણે આર્થિક સંકટ ઉભુ થયુ છે.