અમદાવાદ, કોવિડ-૧૯ રોગચાળાને અનુલક્ષીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તા. ૧૨ માર્ચ ૨૦૨૧થી ૨૦ માર્ચ ૨૦૨૧ સુધી રમાનારી પાંચ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં માત્ર ૫૦ ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જીસીએ દ્વારા સ્ટેડિયમમાં કોવિડ-૧૯ રોગચાળા સંબંધિત તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, એટલું જ નહી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર-એસઓપીનું પણ પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જીસીએ દ્વારા જણાવાયું છે.

“કોવિડ-૧૯ રોગચાળાને અનુલક્ષીને નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાનારી તમામ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં અમે સ્ટેડિયમની માત્ર ૫૦ ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરીશું. આ તમામ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ પરથી માત્ર ૫૦ ટકા ટિકિટોનું જ વેચાણ કરવામાં આવશે, તેમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ રોગચાળા સંબંધિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન થાય તે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.

મેચ રમાશે તો આત્મ વિલોપન કરીશ તેવી ચીમકી આપનાર યુવકની અટકાયત

શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટી-૨૦ મેચ રમાઈ રહી છે. જાે કે મેચ રમાવી હોવાના આગલા દિવસે એક યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કરી ને જાે મેચ રમાશે તો હું આત્મવિલોપન કરી દઈશ તેવી ચીમકી આપી હતી. જાે કે આજ રોજ તે આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. શહેરમાં કોરોનાના કેશ વધી રહ્યા છે, તે સંદર્ભમાં નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં ૫૦ ટકા બેઠકો ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મેચ શરૂ થયાના એક દિવસ પહેલા દહેગામ પાસેના એક ગામના વતની પંકજ પટેલે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કરીને જાે સરકાર કોરોનાના કારણે એક કરતાં વઘુ માણસોને એકઠા કરવાની પરમિશન આપતી નથી તો નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં હજારોની જનમેદની માણે પરમિશન કોણે આપી તેમ કહીને જાે મેચ રમાશે તો હું આત્મવિલોપન કરી દઈશ તેવી ચિમકી પોલીસ સ્ટેશનના પીઆઈને આપી હતી. જાે કે આ ઘટના બાદ આ કથિત ઓડીયો ક્લીપ શહેરમાં હવાના વેગે વહેતો થયો હતો. બીજી બાજુ ગાંધીનગર એલ.સી.બીએ અગમચેતીના પગલાં રૂપે પંકજ પટેલની અટકાયત કરીને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.